રાજ્યભરમાં છેલ્લા ઘણા સમયથી સિંગતેલના ભાવો વધીને સ્થિર થયા છે. સિંગતેલમાં સતત ભાવ વધેલા રહેવાને કારણે અનેક સ્થળોએ સિંગતેલમાં અન્ય તેલની ભેળસેળ કરીને નફાખોરી કરવાની વૃત્તિ પકડાઈ છે. એવામાં રાજ્યની ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટીને એવી ગુપ્ત માહિતી મળી છે કે હાલમાં સિંગતેલના વધારેલા ભાવનો લાભ લઈને ભેળસેળ કરીને માલ વેચવાની પેરવી વધી ગઈ છે. જેને લઈને તુરંત જ તમામ ફૂડ સેફ્ટી ઓફિસમાં સેમ્પલ લેવા માટે આદેશ કરાયો છે.
રાજકોટ શહેરમાં દૂધની બનાવટો ઉપરાંત વિવિધ પ્રકારના તેલમાં ભેળસેળ થવાની અનેક ઘટનાઓ બની ચૂકી છે. અવારનવાર ભેળસેળિયા પદાર્થો સામે આવે છે. આવું માત્ર રાજકોટમાં નહિ પણ રાજ્યમાં પણ અનેક સ્થળે થઈ રહ્યું છે. ખાસ કરીને જે વસ્તુઓના ભાવ વધે તેમાં ભેળસેળનું પ્રમાણ વધી જાય છે. તાજેતરમાં જ મોટા પાયે નકલી પનીરનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. આ જ રીતે તેલમાં પણ ભેળસેળ થતી હોવાની માહિતી અવારનવાર સામે આવે છે.
આ વર્ષે સિંગતેલના ભાવમાં વધારો જોવા મળતા ગાંધીનગર વડી કચેરીને ગુપ્ત માહિતી મળી હતી કે સિંગતેલમાં કેટલીક ઓઈલ મિલો અને હોલસેલર ભેળસેળ કરી રહ્યા છે. આ કારણે સમગ્ર રાજ્યમાં તેલના સેમ્પલ લેવા માટે આદેશ કરાયા હતા. જેને પગલે જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ચાલતી નાની મોટી 16 ઓઈલ મિલ સહિત 24 નમૂના લીધા છે. જ્યારે રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખાએ શહેરમાંથી 3 પેઢીઓમાંથી નમૂના લીધા છે. આ નમૂના લેવાની કાર્યવાહી રાજકોટ અને સૌરાષ્ટ્રમાં ઝડપી બનાવવા કહ્યું છે જ્યારે ગાંધીનગરમાંથી પણ 19 નમૂના લેવામાં આવ્યા છે.