રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડની જ્વાળા હજુ પણ રાજકોટ મહાનગરપાલિકા કચેરીમાં લવકારા મારી રહી છે. આજે 6 મહિનાની અંદર જ સરકારે મુકેલા મનપા કમિશનર દેવાંગ દેસાઈની પણ બદલી કરી દેવામાં આવી છે અને તેમની જગ્યાએ નવા કમિશનર તરીકે તુષાર સુમેરાણી નિમણુંક કરવામાં આવી છે. ચર્ચા એવી છે કે, દેવાંગ દેસાઈને અહીંયા કામ કરવું ફાવતું ન હતું અને તેમને સરકાર પાસે બદલી માટે માંગણી કરી હતી જે મંજુર કરી. સરકાર દ્વારા આજે તેમની બદલી રાજકોટથી ગાંધીનગર ખાતે કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ મનપામાં ફરજ બજાવતા 15 જેટલા અધિકારીઓ કર્મચારીઓ રાજીનામાં આપી ચુક્યા છે.
રાજકોટ મહાનગર પાલિકામાં 6 મહિના પૂર્વે કમિશનર બનેલા દેવાંગ દેસાઈની પણ બદલી કરી દેવામાં આવી છે. 25 મે, 2024ના રોજ નાના મવા રોડ પર TRP ગેમઝોન ખાતે અગ્નિકાંડમાં 27 લોકોના મૃત્યુ બાદ સરકાર દ્વારા તાત્કાલિક અસરથી આનંદ પટેલની બદલી કરી તેમની ખાલી પડેલી જગ્યાએ દેવાંગ દેસાઈને મનપા કમિશનર તરીકે મૂકવામાં આવ્યા હતા. આ પછી રાજકોટ મનપામાં એક બાદ એક મળી કુલ 15 અધિકારી કર્મચારીએ રાજીનામાં ધરી દીધા છે અને હવે દેવાંગ દેસાઈની પણ બદલી કરી તેઓને ગાંધીનગર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે અને તેમની જગ્યાએ રાજકોટના નવા કમિશનર તરીકે 2012 ગુજરાત કેડરના IAS ઓફિસર તુષાર સુમેરાની નિમણુંક કરવામાં આવી છે.