વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલીવાર આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરાના મામલે નિવેદન આપ્યું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ પીએમ મોદીનું કહેવું છે કે કેટલીક ઘટનાઓ અમેરિકા-ભારત સંબંધોને ખરાબ કરી શકશે નહીં.
તેમણે કહ્યું- જો આપણા દેશનો કોઈ નાગરિક બીજા દેશમાં સારું કે ખરાબ કામ કરે છે તો તેની જવાબદારી અમે લઈએ છીએ. અમને આ અંગે જાણ કરવામાં આવી છે તેથી અમે તપાસ કરવા તૈયાર છીએ. અમે કાયદાનું પાલન કરીએ છીએ.
હકીકતમાં અમેરિકી સરકારે આરોપ લગાવ્યો હતો કે ન્યૂયોર્કમાં પન્નુ પર ઘાતક હુમલો કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. આમાં ભારતનો હાથ હતો. આ ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું હતું. જોકે, હુમલો કયા દિવસે થવાનો હતો તે જણાવવામાં આવ્યું ન હતું. જૂન 2023માં પીએમ નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત પછી જ અમેરિકન અધિકારીઓએ ભારત સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો.
મોદીએ કહ્યું- અભિવ્યક્તિની સ્વતંત્રતાની આડમાં આ તત્વો ડરાવવા અને હિંસા ભડકાવવામાં લાગેલા છે. વિદેશમાં સ્થિત કેટલાક ઉગ્રવાદી જૂથોની ગતિવિધિઓથી ભારત ચિંતિત છે. અમેરિકા સાથે અમારા સંબંધો ખૂબ જ મજબૂત છે. સુરક્ષા અને આતંકવાદ વિરોધી સહયોગ એ અમારી ભાગીદારીનો આધાર રહ્યો છે. કેટલીક ઘટનાઓને બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધો સાથે ન જોડવી જોઈએ.