શહેરમાં પાર્કિંગની વ્યવસ્થા પૂરી પાડવામાં મહાનગરપાલિકા તંત્ર નિષ્ફળ નિવડ્યું છે તેનો ભોગ શહેરીજનો બની રહ્યા છે. પોલીસ તંત્ર વાસ્તવિક સ્થિતિને ધ્યાને રાખ્યા વગર માત્ર દંડનો દંડો ઉગામી લોકોને પરેશાન કરી રહ્યું છે. લોકોની વેદનાને વાચા આપવા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરીને સ્થિતિનો ક્યાસ મેળવી રહ્યું છે ત્યારે શહેરના યાજ્ઞિક રોડ પર આવેલા હીરાપન્ના કોમ્પ્લેક્સમાં માલિકો અને કર્મચારીઓ માટે પાર્કિંગની સુવિધા છે,
પરંતુ દંડાઇ રહ્યા છે માત્ર ગ્રાહકો. અહીં ટ્રાફિક શાખાની સક્રિયતા વિશેષ પ્રમાણમાં જોવા મળી રહી છે. હીરાપન્ના કોમ્પ્લેક્સ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કોમ્પ્લેક્સમાં 92 ઓફિસ અને 46 દુકાનો આવેલી છે. ઓફિસમાં સરેરાશ ચાર અને દુકાનોમાં સરેરાશ પાંચ લોકો કામ કરતા હોય છે. આ તમામ માટે કોમ્પ્લેક્સમાં પાર્કિંગની પૂરતી વ્યવસ્થા છે. બહારથી આવતા લોકો અને ગ્રાહકો માટે પણ કોમ્પ્લેક્સના પાર્કિંગમાં વાહન પાર્કિંગની છૂટ આપવામાં આવી છે પરંતુ બહારથી આવતા તમામ લોકોના વાહનો અહીં પાર્ક થઇ શકે તે શક્ય નથી. આવા સંજોગોમાં મોટી સંખ્યામાં ગ્રાહકોને કોમ્પ્લેક્સની બહાર વાહન પાર્ક કરવાના રહે છે. તપાસ કરતાં હીરાપન્ના કોમ્પ્લેક્સનું ફ્રન્ટ 80 ફૂટનું છે. આ ફ્રન્ટ પર મહત્તમ 35 ટૂ વ્હિલર પાર્ક થઇ શકે, 46 દુકાનમાંથી મહત્તમ દુકાનોમાં મહિલાઓને લગતી વસ્તુઅોની દુકાનો આવેલી છે અને મહિલા ગ્રાહકો મોટા પ્રમાણમાં આવે છે. માત્ર 46 દુકાનમાં જ દરરોજ ઓછામાં ઓછા 500 ગ્રાહક આવતા હોય તો તે લોકો વાહન પાર્ક ક્યાં કરે તે પ્રશ્ન છે. સર્વેશ્વર ચોકમાં પે એન્ડ પાર્કની સુવિધા હતી પરંતુ સ્લેબ તૂટ્યાની ઘટના બાદ એ સુવિધા છીનવાઇ જતાં પાર્કિંગની હાલત વધુ કફોડી બની છે. આ સ્થિતિને ધ્યાને લીધા વગર ટ્રાફિક શાખાનું ટોઇંગવાન સતત હીરાપન્ના કોમ્પ્લેક્સ પાસે આંટા મારીને વાહનો ટોઇંગ કરે છે અને લોકો દંડાઇ રહ્યા છે.