જસદણ શહેરના નેશનલ હાઈવેમાં આવતી ગઢડીયા, ગોખલાણા અને ખાનપર ચોકડી ઉપર સર્કલ બનાવવા જસદણના પૂર્વ નગરપતિ ધીરૂભાઈ ભાયાણી દ્વારા કેબીનેટ મંત્રી કુંવરજી બાવળીયાને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. જેમાં જસદણ શહેરમાંથી પસાર થતો જૂનો બાઈપાસ રોડ જે હાલ નેશનલ હાઈવે જાહેર કરવામાં આવ્યો છે. આ હાઈવે રોડ ઉપર જસદણથી ગઢડીયા, જસદણથી ગોખલાણા અને જસદણથી ખાનપર ગામ જવા માટે ત્રણ ચોકડી આવે છે. જેના કારણે આ રોડ પર દરરોજ વધુ પ્રમાણમાં વાહનોની અવરજવર રહે છે અને વારંવાર અકસ્માતોના બનાવો પણ બની રહ્યા છે.
આ ત્રણેય ચોકડી પર ભૂતકાળમાં અનેક નિર્દોષ લોકોના અકસ્માતે જીવ પણ ગયા છે. જેથી જસદણ પાલિકાના પૂર્વ પ્રમુખ ધીરૂભાઈ ભાયાણી દ્વારા જસદણ-વીંછિયાના ધારાસભ્ય અને રાજ્ય સરકારના કેબીનેટ મંત્રી કુંવરજી બાવળીયાને વહેલી તકે ત્રણેય ચોકડીએ સર્કલ બનાવી આપવા બાબતે લેખિત રજૂઆત કરવામાં આવી છે. નેશનલ હાઇવે નં. 351 પર આવેલી ચોકડીએ કોઇ સર્કલ ન હોઇ, વાહનો પુરઝડપે ધસી આવતા હોઇ અકસ્માતને નોતરું મળે છે.