ગુજરાતમાં છેલ્લા છ વર્ષમાં ગટર સાફ કરતી વખતે 58 સફાઇ કામદારોના મોત નીપજ્યાં છે. કેન્દ્ર સરકારે સંસદમાં આપેલી માહિતી મુજબ, દેશમાં 2018થી નવેમ્બર 2023 સુધી 443 સફાઇ કામદારો (મેન્યુઅલ સ્કેવૅન્જર) ગટર કે સેપ્ટિક ટેન્ક સાફ કરતી વખતે મોતને ભેટ્યા હતા. આ સમયગાળા દરમિયાન દેશમાં સૌથી વધુ 72 સફાઇ કામદારોના તમિલનાડુમાં મોત થયા હતા.
સૌથી વધુ સફાઇ કામદારોના મૃત્યુની બાબતમાં ગુજરાત દેશમાં બીજા ક્રમે છે. મૅન્યુઅલ સ્કેવેજિંગ (હાથથી ગટરની સફાઈ)ના કાયદા મુજબ, કોઈ પણ સ્થાનિક અધિકારી કે કોઈ અન્ય વ્યક્તિ સફાઇ કામદાર કે અન્ય કોઇપણ વ્યક્તિને સેપ્ટિક ટૅન્ક કે ગટરમાં જોખમયુક્ત સફાઈ કરવાનું કામ સોંપી ના શકે. છતાં પણ આજે ગુજરાત અને દેશના ઘણા રાજ્યોમાં કોઈપણ પ્રકારની સુરક્ષા વગર સફાઈ કર્મીઓ ગટરની સફાઈ કરે છે.
કેરળ અને ગોવામાં એક પણ મોત નહીં
ગુજરાતમાં છેલ્લા છ વર્ષમાં ક્રમશઃ 10, 22, 5, 5, 7 અને 9 સફાઇ કામદારોએ ગટર સાફ કરતી વખતે જીવન ગુમાવ્યુ છે. 2019માં દેશમાં સૌથી વધુ 133 સફાઇ કામદારોનો મોત નીપજ્યાં હતા. છ વર્ષ દરમિયાન દિલ્હીમાં 37, કર્ણાટકમાં 28, રાજસ્થાનમાં 22, આંધ્ર પ્રદેશમાં 14 અને પશ્ચિમ બંગાળમાં 11 કામદારોએ ગટર સાફ કરતા જીવન ગુમાવ્યુ હતું. જ્યારે ઉત્તરાખંડ-છત્તીસગઢમાં 1 અને ત્રિપુરા,પુડ્ડુચેરી, કેરળ, ચંદીગઢ અને ગોવામાં એક પણ સફાઇ કામદારના મોત નીપજ્યાં નથી. માનવમળ, ગટર, સેપ્ટિક ટૅન્કને કોઈ પણ રીતે હાથથી સાફ કરવી એ પ્રતિબંધિત છે. છતાં પણ આવી ઘટનાઓ દેશમાં આજે ચાલુ છે.