ભારતીય મહિલા ટીમે બીજી T20 મેચમાં બાંગ્લાદેશને આઠ રને હરાવ્યું છે. આ સાથે તેમણે ત્રણ T20 ઈન્ટરનેશનલ સિરીઝમાં 2-0ની લીડ મેળવી લીધી છે.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 95 રન બનાવ્યા હતા. શેફાલી વર્માએ સૌથી વધુ 19 રન બનાવ્યા હતા. જવાબમાં બાંગ્લાદેશની ટીમ 20 ઓવરમાં 87 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
ભારત તરફથી દીપ્તિ શર્મા અને શેફાલી વર્માએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. મિનુ મણીએ બે અને બેરેદ્દી અનુષાને એક વિકેટ મળી હતી. ત્રીજી T20 મેચ 13 જુલાઈના રોજ મીરપુરમાં જ રમાશે.
શેફાલી વર્માએ સૌથી વધુ 19 રનની ઇનિંગ રમી
ભારતીય ટીમની શરૂઆત સારી રહી ન હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યા બાદ ભારતીય ટીમને 33 રનના સ્કોર પર પહેલો ફટકો લાગ્યો હતો. ઓપનર સ્મૃતિ મંધાના 13 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર ઝીરો આઉટ થઈ ગઈ હતી.
ટીમ તરફથી શેફાલી વર્મા (19)એ સૌથી વધુ રન બનાવ્યા હતા. તેમના સિવાય અમનજોત કૌરે 14, મંધાનાએ 13, યાસ્તિકા ભાટિયાએ 11 અને દીપ્તિ શર્માએ 10 રન બનાવ્યા હતા. આ પાંચ ખેલાડીઓ સિવાય અન્ય તમામ ખેલાડીઓ ડબલ ફિગર પણ પાર કરી શક્યા ન હતા.