ફંડિગ વિન્ટર અને કોર્પોરેટ ગવર્નન્સની ચિંતા વચ્ચે વર્ષ 2023 દેશની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ માટે નિરસ રહ્યું હતું અને સેગમેન્ટમાં રોકાણ પણ ઘટીને માત્ર $8 અબજને આસપાસ રહ્યું હતું. રોકાણકારો જો કે નવા વર્ષે પરિપક્વ થઇ રહેલી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના મજબૂત ગ્રોથને લઇને આશાવાદી વલણ ધરાવે છે.
કોવિડ મહામારી દરમિયાન સૌથી ઝડપી ગતિએ વૃદ્ધિ પામેલા એડટેક અને હેલ્થ ટેક સેગમેન્ટ્સનો ફુગ્ગો આર્થિક અનિશ્ચતતાઓ વચ્ચે ફૂટી જતા અનેક કંપનીઓને પોતાના ધંધાને સંકેલવાની નોબત આવી હતી. બાયજુસ અને ફાર્મઇઝી જેવા સ્ટાઅર્ટપ્સની વેલ્યુએશનમાં પણ 85-90%નો કડાકો બોલી ગયો હતો. ભારતીય સ્ટાર્ટઅપ્સે વર્ષ 2023માં 15,000 કર્મચારીઓની છટણી કરી હતી. ટકાઉ બિઝનેસ મોડલ સાથે સંચાલન કરતા અને મજબૂત રીતે કેપિટલ મેનેજમેન્ટ ધરાવતા સ્ટાર્ટઅપ્સ હાલની અનિશ્ચિતતામાં પણ ટકી રહેવા માટે સક્ષમ રહેશે. વર્ષ 2024 પડકારજનક તેમજ ઉત્સાહથી પણ ભરપૂર રહેશે.
બાયજુસ, મેજિકપિન અને ઓયો જેવા સ્ટાર્ટઅફ્સમાં રોકાણ કરનાર વેન્ચર કેપિટલ ફર્મ લાઇટસ્પીડે જણાવ્યું હતું કે બે વર્ષ દરમિયાન ઊંચી અથવા નીચા સાયકલ છેલ્લા 8-10 વર્ષના સમયગાળામાં સ્થાપિત થયેલી કંપનીઓના પરિણામ પર ખરેખર અસર કરતી નથી. અત્યારના તબક્કાને ઇકોસિસ્ટમના વિકાસ તરીકે જોઇએ છે. હા, કોન્સોલિડેશન, વેલ્યુએશનમાં ઘટાડો અને કેટલીક કંપનીઓ બંધ પણ થઇ જશે પરંતુ અંતે તો પરિણામ માત્ર પ્રગતિ જ હશે.