અમરેલી જિલ્લામા સિંહ દીપડા જેવા હિંસક પ્રાણીઓ તો માણસનો ભોગ લઇ રહ્યાં જ છે. પરંતુ રસ્તે રઝળતા પશુઓ અને શ્વાનના હુમલામા પણ લોકોના મોત થઇ રહ્યાં છે. અમરેલીના એક 80 વર્ષના વૃધ્ધા રસ્તા પર પસાર થતા હતા ત્યારે ગજેરાપરા વિસ્તારમા પાંચ શ્વાનના ટોળાએ તેમના પર હુમલો કરી અનેક બચકા ભરી વૃધ્ધાને મારી નાખ્યા હતા.
હજુ ગઇકાલે સાંજે જ અમરેલી તાલુકાના તરકતળાવ ગામે સીમમા કામ કરી રહેલા ખેતમજુર પરિવારના છ વર્ષના બાળકને દીપડાએ ઉપાડી જઇ ફાડી ખાધાની ઘટના તાજી છે. ત્યાં આવા જ હિંસક હુમલાની વધુ એક ઘટના સામે આવી છે. અમરેલીના રોકડીયાપરામા રહેતા શાંતુબેન ભનાભાઇ દેગામા (ઉ.વ.80) નામના વૃધ્ધાને શ્વાન ટોળીએ હુમલો કરી શરીર પર અનેક બચકા ભરી જઇ લોહીલુહાણ કરી દેતા તેમનુ મોત થયુ હતુ.
આમ તો આ વૃધ્ધા ગજેરાપરા વિસ્તારમા રહેતા હતા. અને મંગળવારે રોકડીયાપરા વિસ્તારમા પોતાના પુત્રના ઘરે ગયા હતા. બીજા દિવસે માનસિક સ્થિતિના કારણે રાત્રીના સમયે પુત્રના ઘરેથી નીકળી ગયા હતા. અને સવારે ગજેરાપરા વિસ્તારમા સાવરકુંડલા રોડ પર શેરીમાથી પસાર થતા હતા. ત્યારે બચ્ચાવાળી કુતરી પાસેથી નીકળતા તેણે ઉશ્કેરાઇ હુમલો કરી દીધો હતો. અને ત્યારબાદ આસપાસના વિસ્તારમાથી અન્ય ચાર પાંચ શ્વાન પણ દોડી આવ્યા હતા જે તમામે એકસાથે હુમલો કરી વૃધ્ધાને લોહીલુહાણ કરી દીધા હતા.