ગાંધીનગરમાં વાઇબ્રન્ટ સમિટ પહેલા હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે આજે ભારતના સૌથી મોટા ગ્લોબલ ટ્રેડ શોનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. 2 લાખ ચોરસ મીટર વિસ્તારમાં પ્રદર્શન અને સ્ટોલ ધરાવતા ગ્લોબલ ટ્રેડ શોમાં ઓસ્ટ્રેલિયાથી લઇને યુએસ સુધી તમામ દેશો ભાગ લેશે. જેમાં પેવેલિયન-9 આત્મનિર્ભર ગુજરાત માટેનું છે, જ્યાં સૌથી વધુ 1012 સ્ક્વેર મીટર જગ્યા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની છે. તો પેવેલિયન-1માં ઈન્ટરનેશનલ અને થીમ પેવેલિયન છે. જેમાં સૌથી મોટી 680 સ્ક્વેર મીટર જગ્યા જાપાન જેટરોની છે. ગ્લોબલ ટ્રેડ શોમાં વિવિધ ઇન્ટરનેશનલ, નેશનલ અને ગુજરાતની કંપનીઓ દ્વારા જે સ્ટોલ અને જગ્યા ભાડે રાખવામાં આવી છે તેના પ્રતિ ચોરસ મીટર ભાવ અંગેની માહિતી દિવ્ય ભાસ્કર પાસે આવી છે. તો આવો જોઇએ ભારતના સૌથી મોટા ગ્લોબલ ટ્રેડ શોમાં ક્યાં ભાવે દેશ-વિદેશની કંપનીઓએ સ્ટોલ ભાડે રાખ્યા છે.
ગુજરાત વાઇબ્રન્ટ સમિટ 2024નું 10 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદઘાટન કરવામાં આવશે. વાઇબ્રન્ટ સમિટના ઉદઘાટન પહેલાં વડાપ્રધાન દ્વારા 9 જાન્યુઆરીના રોજ બપોરે 3 વાગ્યે હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે ભારતના સૌથી મોટા ગ્લોબલ ટ્રેડ શોનું ઉદઘાટન કરવામાં આવશે. બે લાખ ચોરસ મીટર વિસ્તારમાં પ્રદર્શન અને સ્ટોલ ધરાવતા ગ્લોબલ ટ્રેડ શોમાં ઓસ્ટ્રેલિયા, તાંઝાનિયા, મોરોક્કો, મોઝામ્બિક, દક્ષિણ કોરિયા, થાઈલેન્ડ, ઓસ્ટોનિયા, બાંગ્લાદેશ, સિંગાપોર, UAE- સંયુક્ત આરબ અમીરાત, યુકે, જર્મની, નોર્વે, ફિનલેન્ડ, નેધરલેન્ડ, રશિયા, રવાન્ડા, જાપાન, ઇન્ડોનેશિયા અને વિયેતનામ એમ કુલ 20 દેશ આ પ્રદર્શનમાં પોતાના દેશના ઉદ્યોગોની માહિતી પ્રદર્શિત કરશે. જેમાં સંશોધન ક્ષેત્રના અંદાજે 1 હજારથી વધુ પ્રદર્શકો સહભાગી થશે જે વિવિધ ક્ષેત્રોમાં થઈ રહેલા સંશોધનો અને નવીનતાઓને રજૂ કરશે. ટ્રેડ શોમાં વિઝિટીંગ તરીકે 100 દેશ જ્યયારે પાર્ટનર તરીકે 33 દેશ ભાગ લઈ રહ્યા છે.