અઝરબૈજાન અને આર્મેનિયા વચ્ચે યુદ્ધ યથાવત છે. આ દરમિયાન આર્મેનિયાએ ભારત પાસેથી હથિયાર ખરીદવા માટે ડીલ કરી છે. આર્મેનિયા કુલ 2 હજાર કરોડ રૂપિયાના મિસાઈલ, રોકેટ અને દારૂગોળા સહિત પિનાકા લોન્ચર ભારત પાસેથી ખરીદશે.
ભારતની સાથે ડીલ કરવાથી આર્મેનિયાની સૈન્ય શક્તિ મજબૂત બનશે. તેમજ ભારતમાં શસ્ત્ર ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે. સૌથી પહેલા ભારત પિનાકા મલ્ટી બેરલ રોકેટ લોન્ચર મોકલશે. તેને સંરક્ષણ મંત્રાલયના સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા વિકસાવવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે ભારતીય પિનાકા રોકેટ સિસ્ટમ મેળવનાર આર્મેનિયા પહેલો વિદેશી દેશ હશે.
આર્મેનિયા તરફથી ડિફેન્સ સેક્ટરમાં આ ડીલ ભારતમાં હથિયારોની નિકાસ વધારવા માટે આગળ લઈ જઈ રહ્યો છે. ભારત સરકારે 2025 સુધીમાં 35 હજાર કરોડ રૂપિયાના શસ્ત્રો વેચવાનું લક્ષ્ય રાખ્યું છે. એક રિપોર્ટ અનુસાર, 2021માં ભારતે 13 હજાર કરોડ રૂપિયાના શસ્ત્રોનું વેચાણ કર્યું હતું.
દેશમાં વિકસિત પિનાકા મિસાઈલનું આ ત્રીજું વર્ઝન છે. પ્રથમ બે વર્ઝનની રેન્જ 40 અને 75 કિમી હતી. આ એડવાન્સ વર્ઝનની રેન્જ 120 કિમી છે. આ મિસાઈલમાં એડવાન્સ નેવિગેશન અને કંટ્રોલ સિસ્ટમ લગાવવામાં આવી છે. આ કારણે ફાયરપાવર ખૂબ જ સચોટ બન્યું છે.