સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં છેલ્લાં કેટલાક દિવસોથી બજારમાં ચાલી રહેલી બુલ રન પર આજે એકાએક બ્રેક લાગી હતી અને બીએસઈ સેન્સેક્સમાં અંદાજીત 2.23%નો અને નિફ્ટી ફ્યુચરમાં અંદાજીત 2.01%નો ઘટાડો નોંધાયો હતો. વૈશ્વિક મોરચે ચીનનો જીડીપી અપેક્ષા કરતાં નીચો અને ઉચ્ચ યુવા બેરોજગારી દરના પરિણામે ચીનના શેરબજારમાં કડાકો, ઈરાનની પાકિસ્તાનના બલુચિસ્તાન પર એરસ્ટાઈક અને હાઉથીસ ત્રાસવાદીઓ દ્વારા રેડ સી માંથી પસાર થતાં જહાજો પર થઈ રહેલા હુમલાને પરિણામે સતત વધતા જોખમો તેમજ સ્થાનિક સ્તરે ભારતીય રૂપિયા સામે ડૉલરમાં મજબૂતી તેમજ કોર્પોરેટ પરિણામોમાં પ્રાઈવેટ બેન્કિંગ જાયન્ટ એચડીએફસી બેન્કના અપેક્ષા વિરુધ્ધ પરિણામે નકારાત્મક અસરે ભારતીય શેરબજારમાં નોંધપાત્ર કડાકો નોંધાયો હતો. બીએસઈ સેન્સેક્સ 1628 પોઈન્ટના ઘટાડા સાથે 71500 પોઈન્ટ આસપાસ બંધ રહ્યો હતો, જયારે નિફ્ટી ફ્યુચર 442 પોઈન્ટના ઘટાડા સાથે 21587 પોઈન્ટ આસપાસ બંધ રહી હતી, તેમજ બેંક નિફ્ટી ફ્યુચર 2024 પોઈન્ટના ઘટાડા સાથે 46200 પોઈન્ટ આસપાસ બંધ રહી હતી.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 1.09% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.90% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર આઈટી, ટેક અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 3900 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 2602 અને વધનારની સંખ્યા 1224 રહી હતી, 74 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 3 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 9 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન 4.60 લાખ કરોડ ઘટીને 370.35 લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની 30 કંપનીઓ માંથી 5 કંપનીઓ વધી, 24 કંપનીઓ ઘટી હતી અને 1 કંપની સ્થિર રહી હતી.