અદાણી-હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટની નિષ્ણાત સમિતિએ શુક્રવારે પોતાનો રિપોર્ટ રજૂ કર્યો છે. કમિટીએ નોંધ્યું હતું કે શેરના ભાવમાં હેરાફેરીના આરોપો અંગે આ નિર્ણય લેવો શક્ય નથી કે આ મેનિપ્યુલેશન સેબીની નિયમનકારી નિષ્ફળતાને કારણે થયું છે.
એક્સપર્ટ કમિટીના રિપોર્ટના મુદ્દા...- 2020થી જે વિદેશી કંપનીઓની તપાસ ચાલી રહી હતી એના માલિકો વિશે સેબી કંઈ નક્કી કરી શકી નથી. તે એવી સ્થિતિમાં અટવાઈ ગઈ છે કે તે કંઈપણ નક્કી કરી શકતી નથી.
- અદાણી ગ્રુપના શેર સંબંધમાં સિસ્ટમથી 849 ઓટોમેટેડ એલર્ટ જનરેટ કરવામાં આવ્યાં છે. આ એલર્ટ સ્ટોક એક્સચેન્જના ધ્યાન પર આવ્યાં અને સેબી સમક્ષ 4 એલર્ટ રજૂ કરવામાં આવ્યાં.
અમે અદાણી-હિંડનબર્ગ કેસ અંગે ચર્ચા કરવા માટે કેટલીક આંતરરાષ્ટ્રીય સુરક્ષા કંપનીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. આવી કોઈ પેઢી અથવા બેંક નિષ્ણાત સમિતિ વાટાઘાટો કરવા માટે સંમત નથી થઈ.
સમિતિએ કહ્યું હતું કે આ સમગ્ર મામલાની તપાસ હજુ ચાલી રહી છે. આવી સ્થિતિમાં સમિતિ આ મુદ્દે હાલ કોઈ અભિપ્રાય આપી શકે એમ નથી. સમિતિએ નોંધ્યું હતું કે અદાણી જૂથના શેરમાં આર્ટિફિશિયલ ટ્રેડિંગની કોઈ પેટર્ન મળી નથી.
આ પહેલાં બુધવારે માર્કેટ રેગ્યુલેટર સેબીને અદાણી-હિંડનબર્ગ કેસની તપાસ માટે 3 મહિનાનો વધારાનો સમય આપવામાં આવ્યો હતો. હવે સેબીએ તેનો રિપોર્ટ 14 ઓગસ્ટ સુધીમાં સબ્મિટ કરવાનો રહેશે. 2 માર્ચે કોર્ટે આ મામલે એક સમિતિની રચના કરી હતી અને સેબીને તપાસ માટે બે મહિનાનો સમય પણ આપ્યો હતો, એટલે કે તેણે 2 મે સુધીમાં પોતાનો રિપોર્ટ સોંપવાનો હતો.
સુનાવણી દરમિયાન સેબી તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ તપાસ માટે વધુ છ મહિના લંબાવવાની માગ કરી હતી. જોકે બેન્ચે 6 મહિનાનો સમય આપવાનો ઇનકાર કર્યો હતો. બેન્ચે કહ્યું હતું કે તે "અનિશ્ચિત સમય માટે એક્સટેન્શન" આપી શકે નહીં. અમે 2 મહિનાનો સમય આપ્યો હતો અને હવે એને ઓગસ્ટ સુધી લંબાવી દીધો છે, એટલે કે સેબી પાસે કુલ 5 મહિનાનો સમય છે.