મણિપુરના તેંગનોપાલ જિલ્લાના મોરેહમાં બુધવારે ઉગ્રવાદીઓએ સુરક્ષા દળો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં રાજ્ય પોલીસની ભારતીય રિઝર્વ બટાલિયનના કમાન્ડો સહિત બે જવાન શહીદ થયા હતા. હુમલાખોરો કુકી સમુદાયના હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પોલીસના કહેવા મુજબ બુધવારે સવારે ઉગ્રવાદીઓએ ત્રણ અલગ-અલગ જગ્યાએ સૈનિકોને ટાર્ગેટ બનાવ્યા હતા. હુમલાખોરો બુલેટ પ્રૂફ વાહનોમાં પહોંચ્યા હતા અને એક ચોકી, કેમ્પ પર બોંબ ઝીંક્યા હતા. સાથે સાથે અંધાધુંધ ગોળીબાર પણ કર્યો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સવારે લગભગ 4 વાગ્યે ચિકિમ ગામની પહાડીની ટોચ પરથી ઉગ્રવાદીઓએ પહેલો હુમલો કર્યો અને કેમ્પ પર રોકેટ અને ગ્રેનેડ ઝીંક્યા હતા. હુમલો કરાયો ત્યારે જવાનો ઉંઘમાં હતા. હકીકતમાં, મોરેહના એસડીપીઓ આનંદ સિંહ ચૌધરીની ઓક્ટોબરમાં હત્યા કરવામાં આવી હતી.
મોરેહમાં આગામી થોડા દિવસોમાં સ્થિતિ વધુ બગડી શકે છે
આના બે કારણો છે. પ્રથમ- કુકી સંગઠનોએ કુકી પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં તૈનાત સુરક્ષા દળોને તાત્કાલિક હટાવવા રાજય સરકારને સીધી ચેતવણી આપી છે. ચેતવણી આપીને એમ પણ કહ્યું છે કે સુરક્ષા દળોને હટાવવામાં નહીં આવે તો ફરીથી લોહિયાળ ખેલ શરૂ થશે. બીજું- શંકાસ્પદ કુકી ઉગ્રવાદીઓ મ્યાનમારના લોકોની સાથે મળીને સુરક્ષા દળો પર હુમલો કરી રહ્યા છે. તેમની પાસે આધુનિક શસ્ત્રો છે અને તેઓ ગેરિલા યુદ્ધની ટેકનિક પણ જાણે છે.