વિશ્વભરમાં આ વર્ષે ચૂંટણી થઇ રહી છે અને લોકો પોતાની પસંદની સરકાર અને પસંદગીના લીડર ચૂંટી રહ્યા છે. જો આવી જ વ્યવસ્થા ઑફિસમાં થઇ જાય તો? એટલે કે કર્મચારીઓને પોતાના મેનેજર પસંદ કરવાનો અધિકાર મળે તો કેવું રહે? જે રીતે તમે તમારો પરિવાર પસંદ નથી કરી શકતા, એ જ રીતે કર્મચારીઓને પણ ભાગ્યે જ પોતાના મેનેજરની પસંદગી કરવાની તક મળે છે. પરંતુ જાપાનમાં એક કંપની પોતાના કર્મચારીઓને લાઇન મેનેજર પસંદ કરવાની તક આપી રહી છે. આ અસાધારણ પહેલ કર્મચારીમાં અસંતોષનું સ્તર ઘટાડવા તેમજ નોકરી છોડીને જવાના દરને ઘટાડવાના ઉદ્દેશ્યથી શરૂ કરાઇ છે.
ઉત્તર જાપાનના હોક્કાઇડોમાં સ્થિત એક આર્કિટેક્ચરલ ફર્મ સકુરા કોજોએ 2019માં આ નવી સિસ્ટમની શરૂઆત કરી હતી. એ સમયે, આ કંપની અંદાજે 11%ના સ્ટાફ ટર્નઓવર રેટ (કર્મચારીઓની નોકરી છોડવાનો વાર્ષિક દર)નો સામનો કરી રહી હતી. આ ખૂબ જ ઊંચો દર છે, જેને કારણે સકુરા કોજોને આમ પણ શ્રમની અછતથી ઝઝુમી રહેલા જાપાન જેવા દેશમાં વધુ ખરાબ સ્થિતિનો ડર સતાવવા લાગ્યો હતો.
આ સ્થિતિને ધ્યાનમાં રાખતા કંપનીએ પોતાના કર્મચારીઓને જાળવી રાખવા માટે પોતાના મેનેજેરિયલ સ્ટ્રક્ચર પર પુનર્વિચાર કરવાનો નિર્ણય કર્યો. તે હેઠળ એક વર્ષમાં એક વાર, સકુરા કોજોના કર્મચારીઓને એક પ્રશ્નાવલી ભરવા માટે કહેવામાં આવે છે. તેમાં તે 14 માપદંડો પર પોતાના લાઇન મેનેજર્સનું મૂલ્યાંકન કરે છે. જેમાં અન્ય અધિકારીઓની ચિંતાઓનું ધ્યાન રાખવાની તેમની ક્ષમતા અને તેમની નૉલેજ શેરિંગ સ્કિલ સામેલ છે.