બંગાળની દુર્ગાપૂજા હવે વિદેશોમાં પણ મૂળીયાં જમાવવા લાગી છે. કોલકાતામાં હુગલીના કોન્નાગરમાં બનેલી મા દુર્ગાની મૂર્તિઓ દુનિયાભરમાં મોકલાય છે પણ પહેલીવાર અહીંથી આખેઆખો પંડાલ વિદેશ જશે. કોલકાતામાં તૈયાર પંડાલ અમેરિકાના કેલિફોર્નિયામાં એસેમ્બલ કરાશે. ત્યાંના ભારતીયો તે બનાવડાવી રહ્યા છે. પંડાલ એસેમ્બલ કરવાની પદ્ધતિ સમજવા કેલિફોર્નિયા બૅ એરિયા માઇગ્રન્ટ્સ ક્લબ તેના એક સભ્યને કોલકાતા મોકલશે. પંડાલ 15 સપ્ટે. આસપાસ તૈયાર થઇ જશે અને તે પછી કેલિફોર્નિયા મોકલાશે. મા દુર્ગાની મૂર્તિ તો કુંભાર ટોલાથી કેલિફોર્નિયા પહોંચી ચૂકી છે.
કલાકાર સંદીપ ચેટરજી સાથે 12 કારીગર 2 મહિનાથી પંડાલ બનાવી રહ્યા છે. તેની થીમ ‘બિસ્વરૂપે સંઘીતા’ એટલે કે દુર્ગાપૂજાનું વૈશ્વિકીકરણ છે. તેમાં બંગાળની દૂર્ગાપૂજા ગ્લોબલ બન્યાની પૂરી સફર દર્શાવાશે. ઇકો-ફ્રેન્ડલી પંડાલ 800 સ્ક્વેર ફૂટમાં બનાવાઇ રહ્યો છે. તેની પહોળાઇ 20 ફૂટ, ઊંચાઇ 18 ફૂટ અને લંબાઇ 40 ફૂટ છે. તેમાં સ્થપાનારી મા દુર્ગાની મૂર્તિ 10 ફૂટની હશે. મંડપ શણનો બનાવાયો છે અને હર્બલ રંગોનો જ ઉપયોગ કરાશે. સંદીપે જણાવ્યું કે પંડાલના એસેમ્બલિંગ દરમિયાન તેઓ ઓનલાઇન જોડાયેલા રહેશે. આ પંડાલ અમેરિકાની ધરતી પર ભારતીય સંસ્કૃતિની ઝલક સમાન હશે. અમેરિકામાં 1970ના દાયકામાં દુર્ગાપૂજા મનાવવાનું શરૂ થયું હતું, જે હવે ત્યાંના 50 સ્ટેટમાં વિસ્તરી છે.