હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ દરમિયાન અલગ-અલગ જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે અમરેલી જિલ્લામાં આજે પણ મેઘમહેર યથાવત જોવા મળી છે. અમરેલીના સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બપોર બાદ ગાજવીજ સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તો અમદાવાદમાં સાંજના સમયે ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. અમરેલી જિલ્લામાં છેલ્લા ત્રણ ચાર દિવસથી મેઘમહેર યથાવત રહેતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો છે. હાલમાં અમરેલીના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તો લાઠીની ગાગડીયો નદીમાં પુર આવ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં છુટોછવાયો સામાન્ય વરસાદ પડશે. સારા વરસાદ માટે લોકોએ હજી થોડી રાહ જોવી પડી શકે છે. રાજ્યમાં આજે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં 20 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ અમરેલીના બાબરામાં બે ઈંચ વરસાદ નોંધાયો છે.