જામનગરમાં રખડતા ઢોર પકડવાની કામગીરીમાં ગાય લોહી લુહાણ થતાં અફડાતફડી મચી ગઇ હતી. બનાવની જાણ થતાં સોનલનગર વેક્સિનેશન કેન્દ્ર પર માલધારીઓનું ટોળું ધસી જતાં વાતાવરણ તંગ બન્યું હતું. લમ્પી રસીકરણ કેન્દ્રમાં ગાયના મોતનો આક્ષેપ ટોળાંએ કર્યો હતો. ઇજાગ્રસ્ત ગાયની સારવાર બાદ મામલો થાળે પડયો હતો. રાત્રીના ઢોર પકડવાની કામગીરી દરમ્યાન આ બનાવ બન્યો હતો. જામનગરમાં રખડતા ઢોરનો ત્રાસ જીવલેણ બનતા મનપાએ 4 ટીમ બનાવી પોલીસને સાથે રાખી દિવસ અને રાત્રીના ત્રણ શીફટમાં ઢોર પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
જે અંતર્ગત મંગળવારે રાત્રીના ઢોર પકડવાની કામગીરી દરમ્યાન પવનચકકી વિસ્તારમાં ગાયને ઇજા થતાં લોહીલુહાણ થઇ ગઇ હતી. બનાવની જાણ થતાં માલધારીઓમાં ભારે રોષ ફેલાયો હતો. ઇજાગ્રસ્ત ગાયને શહેરના સોનલનગરમાં આવેલા મનપાના લમ્પી વેક્સિનેશન કેન્દ્ર પર સારવાર માટે ખસેડાઇ હતી. જેની જાણ થતાં માલધારીઓનું ટોળું વેક્સિનેશન કેન્દ્ર પર ધસી ગયું હતું. જયાં ગાયની યોગ્ય સારવાર કરવા માંગણી કરી હતી. તદઉપરાંત કેન્દ્રમાં ગાયના મોત થતા હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. જો કે, ગાયને વધુ સારવાર માટે ગૌશાળામાં મોકલાતા મામલો થાળે પડયો હતો.