રશિયા અને યુક્રેન વચ્ચે દોઢ વર્ષ કરતા વધુ સમયથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે ફરી એકવાર ભીષણ હુમલો કર્યો છે. યુક્રેનના અધિકારીઓએ માહિતી આપી છે કે રશિયન સેનાએ કીવમાં રહેણાક ઇમારતોને મિસાઇલોથી નિશાન બનાવી છે. જેમાં 24 નાગરિકોનાં મોત થયાં હોવાનો દાવો કરાયો છે, જ્યારે ડઝનબંધ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. શહેરના સૈન્ય પ્રશાસને જણાવ્યું કે રાજધાનીમાં કાટમાળ નીચે 10 લોકો દટાયા છે.
યુક્રેનના અધિકારીઓના જણાવ્યા અનુસાર 158 હવાઈહુમલા કરવામાં આવ્યા હતા. રશિયાએ આ દરમિયાન 122 મિસાઈલ અને 36 ડ્રોન છોડ્યાં હતાં જેમાં 24 નાગરિકોનાં મોત થયાં હતાં. યુક્રેન 22 મહિના પહેલાં યુદ્ધ શરૂ થયા બાદ આ સૌથી મોટો હુમલો માની રહ્યું છે. આ હુમલા અંગે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું, આજે રશિયાએ તેના શસ્ત્રાગારમાં હાજર લગભગ દરેક પ્રકારનાં હથિયારોનો ઉપયોગ કર્યો છે.
પુટિનની નજીકના અન્ય એક નેતાનું મોત: 18 મહિનામાં 7નાં મોત
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિનના નજીકના મિત્રનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું. દાવો કરાયો છે કે બારીમાંથી નીચે પડી ગયા હતા સપ્ટેમ્બર 2022થી પુટિનની નજીકના 7 નેતાઓ શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ પામ્યા છે. જેમાંથી 4 લોકો ઘરની છત કે બારી પરથી પડી જવાથી મૃત્યુ પામ્યા હતા.