જ્ઞાનવાપીના ASI સર્વેનો રિપોર્ટ ગુરુવારે મોડી રાત્રે જાહેર થયો હતો. આ અહેવાલ મુજબ પરિસરની અંદર ભગવાન વિષ્ણુ, ગણેશ અને શિવલિંગની મૂર્તિઓ મળી આવી છે. 34 પુરાવા ટાંકવામાં આવ્યા છે જેમાં જણાવવામાં આવ્યું છે કે સમગ્ર સંકુલ મંદિરની રચના પર ઉભું છે. મસ્જિદ સંકુલની અંદર 'મહામુક્તિ મંડપ' નામનો પથ્થરનો સ્લેબ પણ મળી આવ્યો છે.
ASIએ રિપોર્ટમાં લખ્યું છે કે જ્ઞાનવાપીમાં એક મોટું હિન્દુ મંદિર હતું. 17મી સદીમાં જ્યારે ઔરંગઝેબનું શાસન હતું. તે સમયે જ્ઞાનવાપી માળખું તોડી પાડવામાં આવ્યું હતું. કેટલાક ભાગોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. મૂળ રૂપ પ્લાસ્ટર અને ચૂના વડે છુપાવેલું હતું. 839 પાનાના અહેવાલમાં ASIએ સંકુલના મુખ્ય સ્થળોનો ઉલ્લેખ કર્યો છે.
જ્ઞાનવાપીની દીવાલો અને શિલાપટો પર 4 ભાષાઓનો ઉલ્લેખ જોવા મળ્યો હતો. તેમાં દેવનાગરી, કન્નડ, તેલુગુ અને ગ્રંથ ભાષાઓનો સમાવેશ થાય છે. આ સિવાય ભગવાન શિવના 3 નામ પણ મળી આવ્યા છે. આ છે જનાર્દન, રુદ્ર અને ઓમેશ્વર. તમામ સ્તંભો અગાઉના મંદિરના હતા, જેને મોડીફાઈ કરીને ફરીથી ઉપયોગમાં લેવાયા હતા.
પ્રાણીઓની આકૃતિઓ અને ધાર્મિક કોતરણી
સંકુલની હાલની રચનામાં સુશોભિત કમાનોના નીચેના છેડે કોતરવામાં આવેલી પ્રાણીઓની આકૃતિઓ વિકૃત થઈ ગઈ છે. ગુંબજના આંતરિક ભાગને ભૌમિતિક ડિઝાઇનથી શણગારવામાં આવ્યો છે. મંદિરના મધ્ય ખંડનો મુખ્ય પ્રવેશદ્વાર પશ્ચિમ તરફથી હતો. આ દરવાજો પ્રાણીઓ અને પક્ષીઓની કોતરણી અને સુશોભિત તોરણથી શણગારવામાં આવ્યો હતો.