અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરતા લેટરકાંડમાં પાયલ ગોટી નામની યુવતીનું પોલીસે સરાજાહેર સરઘસ કાઢ્યું હતું. તેના રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. પાયલ ગોટીની ધરપકડના મુદ્દે પોલીસની શંકાસ્પદ ભુમિકાની તપાસ સ્ટેટ મોનિટરીંગ સેલના ડીઆઇજી નિર્લિપ્ત રાયને સોંપવામાં આવી હતી. ડીઆઇજી રાય અને તેમની ટીમ અમરેલી પહોચી હતી અને ઊંડાણપૂર્વકની તપાસ કરી હતી. જેમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા શંકાસ્પદ હોવાની સંભાવના પૂરેપૂરી છે. આરોપ એવો થયો હતો કે, અડધી રાત એટલે કે રાત્રે 12 વાગ્યે પાયલને રીઢા ગુનેગારની જેમ પોલીસે ઉઠાવી લીધી હતી. તેને માર માર્યો હતો તેની અડધી રાત્રે ધરપકડ કરી હતી. ગુનેગારની જેમ તેનું સરાજાહેર સરઘસ કાઢ્યું હતું.
આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું કે, ઉચ્ચ અધિકારીઓની સૂચના વગર કોઈ યુવતીનું સરઘસ કાઢવું સંભવ નથી. જોકે ડીઆઇજી રાય ટૂંક સમયમાં આ અંગેનો રિપોર્ટ રાજ્યના પોલીસ વડાને સોંપશે. તેવામાં અમરેલી જિલ્લા પોલીસબેડાંમાં ઉથલપાથલ થાય તો નવાઇ નહીં. આ અંગે ડીઆઈજી રાયે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, આ રિપોર્ટ કોન્ફિડેન્શિયલ છે. જે હું ડીજીને આપવાનો છું.
અમરેલીમાં લેટર કાંડ પછી સરકાર ભીંસમાં મુકાઇ ગઇ હતી. તેને ધ્યાનમાં લઇ રાજ્યના ગૃહમંત્રીએ મામલો થાળે પાડવા માટે અમરેલી રાતોરાત પહોચી જવું પડ્યું હતું. અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર કાનપરિયાના બનાવટી લેટરપેડ ઉપર વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયાની પ્રતિષ્ઠાને હાનિ પહોચાડવાના ગંભીર આક્ષેપો થયા હતા. બાદમાં કિશોર કાનપરિયાએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં અમરેલી પોલીસે પાયલ ગોટી સહિત 4 આરોપીઓની ધરપકડ કરી હતી.