થાનમાં આવેલા સીરામીકના એકમોમાં સૌચાલયના ઉપયોગમાં લેવામાં આવતી જુદી જુદી 70 થી વધુ વસ્તુઓ બનાવવામાં આવે છે. જેમાં ઘણી એવી રજીસ્ટ્રેડ કંપનીઓ છે કે જેમનો માલ વિદેશ નિકાસ કરવામાં આવે છે. પરંતુ આવી રજીસ્ટ્રેડ કંપનીના નામે ડુપ્લિકેટ માલ બનાવીને કંપનીના સિક્કા મારી તેને વેચવાના કારસ્તાનનો પર્દાફાસ થયો છે. સ્નો કંપનીના માલિકે જ પોતાની બ્રાન્ડના સામાન સાથે રૂ.6 લાખનો ડુપ્લિકેટ માલ અને મુદામાલ સાથે રૂ.35 લાનો સામાન પકડી પાડયો છે. આટલુ જ નહી પરંતુ પૈસા કમાવવાની લાલચમાં નાના સીરામીકના કારખાના ધરાવતા લોકો વર્ષે 55 કરોડથી વધુનો આવો ડુપ્લીકેટ માલ વેચી દેતા હોવાની ચોકાવનારી વિગતો બહાર આવી છે.
થાન સીરામીક ઉધોગની દેશ વિદેશમાં પણ આગવી ઓળખ છે. અહી ધમધમતા 300થી વધુ કારખાનાને કારણે 50 હજારથી વધુ લોકોની રોજી રોટી ચાલી રહી છે. મુખ્યત્વે સૌચાલય બનાવવા માટે વાપરવામાં આવતા ઓરીસા, ઇરોપીયન, એંગ્લો, વનપીસ, સ્ટાર ગોલ્ડ સહિત જુદી જુદી 70થી વધુ વસ્તુઓ થાનમાં બનાવવામાં આવે છે. વર્ષે અંદાજે 700 કરોડનુ ટર્નઓવાર ધરાવતા સીરામીક ઉધોગમાં 50થી વધુ એવી મોટી અને રજીસ્ટ્રેડ કંપનીઓ છે કે જેમના નામથી દેશ વિદેશમાં માલનુ વેચાણ થાય છે. કેટલાક લેભાગુ કંપનીના માલિકો સ્ટાન્ડર્ડ કંપનીના સીકકા સાથેનો બજારમાં માલ વેચતા હોવાની વિગતો ઉદ્યોગકારોને મળી હતી.
શુક્રવારે સ્નો કંપનીના નામના સિક્કા મારીને દુપ્લિકેટ માલ મોરબી તરફ જતો હોવાની હકીકત મળતા કંપનીના માલીકે પોતાના સિક્કા વાળો રૂ.6 લાખનો ડુપ્લિકેટ માલ પકડી પાડયો હતો. આ માલ સંજય સીરામીકમાં તૈયાર કરવામાં આવ્યો હોવાની વિગતો મળી હતી. સમગ્ર મામલો હાલતો પોલીસ મથકે પહોચતા પોલીસે ફરિયાદ લેવાની કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ તપાસ કરતા વર્ષે રૂ.55 કરોડથી વધુનો આવો ડુપ્લીકેટ માલ બજારમાં વેચી દેવામાં આવતો હોવાનું બહાર આવ્યુ હતુ.