ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચમાંથી આરામ મળી શકે છે. 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાનાર આ મેચમાંથી વિકેટકીપર કેએલ રાહુલ પુનરાગમન કરી શકે છે. જ્યારે વિરાટ કોહલી, જે અંગત કારણોસર બ્રેક પર છે, તેનું કમબેક નિશ્ચિત નથી. બેટર તરીકે રમી રહેલો કેએલ રાહુલ ત્રીજી મેચમાં રમી શકે છે.
ક્રિકેટ વેબસાઇટ ક્રિકબઝે દાવો કર્યો છે કે બુમરાહને રાજકોટ ટેસ્ટમાંથી આરામ આપવામાં આવશે. રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે રાષ્ટ્રીય પસંદગીકારોએ ટીમ મેનેજમેન્ટ સાથે ચર્ચા કર્યા બાદ બુમરાહને વર્કલોડ મેનેજમેન્ટ હેઠળ આરામ આપવાનો નિર્ણય લીધો છે. જેથી તેઓ છેલ્લી બે ટેસ્ટમાં તાજગીથી પરત ફરે.
આ 30 વર્ષીય ફાસ્ટ બોલર ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો. તેણે વિશાખાપટ્ટનમ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 6 અને બીજી ઇનિંગમાં 3 વિકેટ ઝડપી હતી. ભારતે આ મેચ 106 રને જીતી લીધી હતી.
બુમરાહને શા માટે આરામ આપવામાં આવ્યો?
બુમરાહે આ સિરીઝની બે મેચમાં 15 વિકેટ લીધી છે. તેણે 57.5 ઓવર ફેંકી છે. બીજી મેચમાં બુમરાહે 4 દિવસમાં 33.1 ઓવર ફેંકી છે. તેણે છેલ્લી ઇનિંગ્સમાં 17.2 ઓવર ફેંકી હતી. આવી સ્થિતિમાં પસંદગીકારોને લાગે છે કે તેને આરામની જરૂર છે. હૈદરાબાદ ટેસ્ટમાં તેણે લગભગ 25 ઓવર ફેંકી હતી.
બુમરાહની જગ્યાએ ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને ત્રીજી મેચમાં તક મળી શકે છે. તેને બીજી ટેસ્ટ માટે બ્રેક આપવામાં આવ્યો હતો. શ્રેણીની છેલ્લી 2 ટેસ્ટમાં બુમરાહ સાથે ફરી જોડાતા પહેલા તે ત્રીજી મેચમાં ભારતીય એટેકનું નેતૃત્વ કરશે. છેલ્લી 3 મેચ માટે ટીમની જાહેરાત મંગળવારે થઈ શકે છે.