નાણા મંત્રાલયે નાણાકીય વર્ષ 2024-25ના બજેટ માટે ટ્રેડ અને ઇન્ડસ્ટ્રી એસોસિએશન પાસેથી 17 જૂન સુધી સૂચનો મંગાવ્યા છે. તેમાં ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ટેક્સ તેમજ તેના અનુપાલનને ઘટાડવા માટે કાયદામાં ફેરફારથી સંબંધિત સૂચનો આપવા માટે કહેવામાં આવ્યું છે. તેમાં ચાર્જનું માળખું, ટેક્સના દરોમાં ફેરફાર અને પ્રત્યક્ષ તેમજ અપ્રત્યક્ષ કરો પર ટેક્સ બેઝને વ્યાપક બનાવવાના વિચાર સામેલ થઇ શકે છે.
આ પૂર્ણ બજેટ જુલાઇના બીજા પખવાડિયામાં રજૂ થાય તેવી શક્યતા છે. આ વર્ષે સામાન્ય ચૂંટણીને કારણે ફેબ્રુઆરીમાં વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. મધ્યમ ગાળામાં સરકારની નીતિ ટેક્સને લઇને કપાત તેમજ અન્ય છૂટને તબક્કાવાર ખતમ કરવાની તેમજ ટેક્સના દરોને તર્કસંગત બનાવવાની છે.
નવા ચૂંટાયેલા નાણામંત્રી નિર્મલા સીતારમણ ટૂંક સમયમાં બજેટની તૈયારીઓ શરૂ કરશે, જે વ્યાપક વિશ્લેષણના મહત્વને દર્શાવે છે. તે ઉપરાંત આગામી 22 જૂનના રોજ નાણા મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતા હેઠળ જીએસટીની બેઠક યોજાશે. ઇન્ડસ્ટ્રી ઉપરાંત MSME સેક્ટર પણ બજેટમાં નાણા મંત્રાલય પાસેથી કેટલીક અપેક્ષાઓ રાખી રહ્યું છે.