હવામાન વિભાગ દ્વારા અગાઉ કરવામાં આવેલી આગાહી અનુસાર હાલમાં સમગ્ર રાજ્યમાં દિવસ દરમિયાનનું તાપમાન વધુ અને રાત્રિ દરમિયાન ઓછું તાપમાન હોવાથી ઠંડીનો અહેસાસ થતો હોય છે. ત્યારે ફરી એકવાર હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી પાંચ દિવસ રાજ્યભરમાં સુકુ વાતાવરણ રહેશે, પરંતુ વાતાવરણના ઉપરી સ્તરમાં વાદળ બંધાશે, પરંતુ આ વાદળોથી વરસાદ થવાની કોઇપણ સંભાવના નથી. તદુપરાંત મુખ્યત્વે નલિયા શહેર સૌથી ઠંડુ શહેર હોય છે, પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગાંધીનગર રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું.
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના કોઈ પણ ભાગમાં વાદળછાયું વાતાવરણ કે વરસાદની આગાહી કરવામાં આવી નથી. તથા આગામી ત્રણ દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં પણ ફેરફાર આવશે નહીં. એટલે કે લઘુત્તમ તાપમાન યથાવત રહેશે, પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર કચ્છમાં તાપમાનનો પારો એકથી બે ડિગ્રી જેટલું ઊંચો જઈ શકે છે. જેને કારણે ઠંડીની અસર પણ ઘટે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
ગાંધીનગરનું તાપમાન 11 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું
છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા તાપમાન વિશે હવામાન વિભાગના વૈજ્ઞાનિકે જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરનું તાપમાન 13.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે ગાંધીનગરનું તાપમાન 11 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જે રાજ્યભરમાં સૌથી લઘુતમ તાપમાન ધરાવતું શહેર રહ્યું હતું. મુખ્યત્વે રાજ્યમાં નલિયા શહેર સૌથી ઠંડુ રહેતું હોય છે, પરંતુ છેલ્લા 24 કલાકમાં નલિયાનું તાપમાન 13.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. એટલે કે અમદાવાદ અને નલિયાનું તાપમાન સમાન નોંધાયું હતું. તદુપરાંત પવનની ગતિ વિશે જણાવતા હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું હતું કે, આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં પવનનીગતિ ઉત્તર-ઉત્તર પશ્ચિમી રહેશે. તથા દક્ષિણ ગુજરાતમાં ઉત્તર-ઉત્તર પૂર્વ તરફથી પવનની ગતિ રહેશે.