રાજકોટમાં હાર્ટ અટેકનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે 2 લોકોના હાર્ટ અટેકના કારણે મોત નીપજ્યા છે. વાવડી પાસે કર્મચારી સોસાયટીમાં રહેતા વિશ્વકાંતભાઈ આજે સવારે ઘરેથી હોસ્પિટલે દવા લેવા જતી વખતે ઘરમાં જ ઢળી પડ્યા હતા. જ્યારે રેલનગરમાં સાંઈબાબા સોસાયટીમાં રહેતા હરપાલસિંહ ગત રાત્રિના સમયે ઘરે હતા ત્યારે બેભાન થઈ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડતાં ફરજ પર ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા.
ઘરમાં જ બેભાન ઢળી પડ્યા
પ્રાપ્તા માહિતી મુજબ વાવડી નજીક પુનિતનગર પાસે આવેલ કર્મચારી સોસાયટીમાં રહેતા વિશ્વકાંતભાઈ ચમનલાલ મેર(ઉ.વ 55) પ્રૌઢે ગત રાત્રિના તેમના દીકરા પ્રતીકને પોતાને છાતીમાં દુ:ખાવાની ફરિયાદ કરી હતી. બાદમાં આજે વહેલી સવારે પિતા- પુત્ર દવાખાને જતાં હતા તે સમયે વિશ્વકાંતભાઈ ઘરમાં જ બેભાન થઈ ઢળી પડ્યા હતા.
હાર્ટ એટેકથી પ્રૌઢનું મોત
તેઓને તાકીદે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ટૂંકી સારવારમાં દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે રાજકોટ તાલુકા પોલીસને જાણ કરી હતી. પોલીસે મૃતદેહને પી.એમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. જ્યાં ડોક્ટરે હાર્ટ એટેકથી મોત થયાનું પરીવારને જણાવ્યું હતુ. પ્રૌઢના મોતથી પરિવારમાં શોકની લાગણી છવાઇ હતી. મૃતક કલર કામ કરતા હતા અને તેઓને સંતાનમાં 2 પુત્ર છે. તેઓ 4 બહેન અને 1 ભાઈમાં સૌથી નાના હતા.