ગુજરાતના 33 જિલ્લાઓમાં ગૃહ વિભાગ હેઠળની વિવિધ કચેરીઓમાં 3374 સીસીટીવી કેમેરા બંધ હાલતમાં છે. સરકારે વિધાનસભામાં આપેલી માહિતી મુજબ, બંધ સીસીટીવી પાછળના કારણોમાં વાયરિંગમાં ખામી, સિસ્ટમમાં શોર્ટ સર્કિટ, ટેક્નિકલ ખામી અને જૂના બિલ્ડીંગમાંથી નવા બિલ્ડીંગ બનવાના કારણે સીસીટીવી ઇન્સ્ટોલ કરાયા ના હોવાના કારણો જણાવાયા છે. ગૃહ વિભાગની કચેરીઓમાં અમદાવાદમાં સૌથી વધુ 466 સીસીટીવી બંધ હાલતમાં છે. સપ્ટેમ્બર 2023ની સ્થિતિએ કુલ 11 જિલ્લામાં 100થી વધુ સીસીટીવી બંધ હાલતમાં છે. જ્યારે કુલ બંધ સીસીટીવીમાંથી 46% માત્ર 5 જિલ્લા, અમદાવાદ, કચ્છ, સુરત, જૂનાગઢ અને ભાવનગરમાં છે. અન્ય જવાબમાં સરકારે વિધાનસભામાં જણાવ્યું હતું કે, જાન્યુઆરી 2021થી મે 2023 દરમિયાન ગૃહ વિભાગે સરકારી બેઠકો, મુલાકાતીઓ માટે ચા-નાસ્તા, ભોજન પાછળ 35 લાખ રૂપિયાથી વધુ ખર્ચ કર્યો છે.
11 જિલ્લામાં 100થી વધુ CCTV બંધ | રાજ્યમાં કુલ 11 જિલ્લામાં 100થી વધુ સીસીટીવી બંધ હાલતમાં છે. ઉપરોક્ત જિલ્લા સિવાય ગૃહ વિભાગ હેઠળની નવસારીની કચેરીઓમાં 152, પાટણમાં 144, વડોદરામાં 110, પંચમહાલ-ગોધરામાં 107, સુરેન્દ્રનગરમાં 105, ગાંધીનગરમાં 100 સીસીટીવી બંધ હાલતમાં છે. રાજકોટમાં 92, અમરેલીમાં 89, ગીર-સોમનાથમાં 86, જામનગરમાં 82 સીસીટીવી બંધ છે.