રાજકોટના દાસી જીવણપરામાં વર્ષ 2013માં મામાના ઘેર આવેલી યુવતીની છેડતી કરનાર ચાર શખ્સોએ પોતાની ભાણેજને બચાવવા વચ્ચે પડેલા પોલીસમેન મામા ઉપર ચારેય શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. જે કેસ ચાલી જતા અધિક સેશન્સ જજ વી.કે.ભટ્ટે બે આરોપીને સાત વર્ષ સખત કેદની સજા અને રૂ.50 હજાર દંડનો હુકમ કર્યો છે.
આ કેસની વિગત એવી છે કે, તા.28-08-2013ના રોજ રાજકોટના દાસી જીવણપરા શેરી નં.3માં રહેતા પોતાના મામાના ઘેર આવેલી યુવતી રાત્રીના સમયે કૃષ્ણ ઉત્સવના ડાયરામાં ગઇ હતી તે દરમિયાન વિશાલ જયેશ વાઘેલા, પ્રદીપ ઉર્ફે પિન્ટુ વાઘેલા, મુકેશ કાંતિ મકવાણા અને નીતિન ખીમજી સારેશાએ મશ્કરી કરતા ટ્રાફિક પોલીસ તરીકે ફરજ બજાવતા મામા દીપક મુળજીભાઇ પરમાર પોતાની ભાણેજને બચાવવા વચ્ચે પડ્યા હતા.
આથી ઉશ્કેરાયેલા આરોપીઓએ દીપક પરમાર ઉપર લોખંડના પાઇપ અને બેઝબોલના ધોકાથી હુમલો કર્યા બાદ તેના ઉપર સ્કોર્પિયો કાર ફેરવી દઇ જીવલેણ હુમલો કર્યો હતો. સરકાર પક્ષની દલીલો ધ્યાને લઇ અધિક સેશન્સ જજ વી.કે.ભટ્ટે આરોપી પ્રદીપ ઉર્ફે પિન્ટુ વાઘેલા અને ફરિયાદી ઉપર ગાડી ચલાવનાર વિશાલ વાઘેલાને સાત વર્ષની સખત કેદની સજા ફરમાવી છે.