દવા બનાવતી કંપનીઓ સિપ્લા અને ગ્લેનમાર્કની દવાઓમાં મેન્યુફેક્ચરિંગ સમસ્યાઓના કારણે અમેરિકન માર્કેટમાંથી તેની દવાઓ પરત મંગાવી રહી છે. સિપ્લાની ન્યુજર્સી સ્થિત પેટાકંપનીએ ઈપ્રેટોપિયમ બ્રોમાઈડ અને એલ્બ્યુટેરોલ સલ્ફેટ ઇન્હેલેશન સોલ્યુશનના 59,244 પેક પાછા મંગાવ્યા છે. યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (USFDA)એ આ અહેવાલ આપ્યો છે.
સિપ્લા USA એ "શોર્ટ ફિલ" ના કારણે આ ઘણી બધી દવાઓ પાછી મંગાવી છે. USFDA અનુસાર, આ દવાના પાઉચમાં દવાનું પ્રમાણ નિર્ધારિત મર્યાદા કરતા ઓછો હતો. આ ઉપરાંત પાઉચમાં પ્રવાહીના ટીપા પણ હતા.
આ દવાઓ ભારતમાં બનાવવામાં આવી હતી
આ દવાઓ ભારતના ઈન્દોર શહેરમાં SEZ પ્લાન્ટમાં બનાવવામાં આવી હતી. આ દવાઓનો ઉપયોગ અસ્થમા, ક્રોનિક બ્રોન્કાઇટિસ અને એમ્ફિસીમા જેવા ફેફસાના રોગોના લક્ષણોને નિયંત્રિત કરવામાં મદદ થાય છે.
ગ્લેનમાર્કે હાઈ બ્લડ પ્રેશરની દવા પણ પરત મંગાવી
ગ્લેનમાર્ક ફાર્માએ હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે વપરાતી દવા ડિલ્ટિયાઝેમ હાઈડ્રોક્લોરાઈડની કેપ્સ્યુલની 3,264 બોટલો પરત મંગાવી છે. ગ્લેનમાર્કની યુએસ ખાતેની શાખા ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સ ઇન્ક. દવા બનાવવામાં કેટલીક ખામીઓને કારણે આ દવા પાછી ખેંચી રહી છે.
કંપનીએ 17 એપ્રિલ, 2024થી રિકોલની શરૂઆત કરી હતી. USFDAના જણાવ્યા અનુસાર, રિકોલ કરાયેલી દવાઓથી કોઈ મોટું નુકસાન થવાની અપેક્ષા નહોતી.
સિપ્લા ભારતની બીજી સૌથી મોટી ફાર્માસ્યુટિકલ કંપની છે.
સિપ્લા ભારતની બીજી સૌથી મોટી ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરિંગ કંપની છે. તે વિશ્વભરમાં 47 સ્થળોએ મેન્યુફક્ચરિંગ યુનિટ્સ ધરાવે છે. તે વિશ્વના 86 દેશોમાં તેના ઉત્પાદનોનો સપ્લાય કરે છે. કંપનીનું માર્કેટ કેપ 1.15 લાખ કરોડ રૂપિયા છે.