વૈશ્વિક સ્તરે છેલ્લા એક વર્ષથી અનિશ્ચિતત્તાનો માહોલ જોવા મળ્યો છે તેમજ સ્લોડાઉન, મોંઘવારીમાં વૃદ્ધિ તથા વ્યાજદર જેવા અનેક નકારાત્મક પરિબળો વચ્ચે ભારતીય શેરબજારમાં રોકાણકારોની સંખ્યા સતત વધી રહી છે. ઓગસ્ટ માસમાં 22 લાખથી વધુ નવા રોકાણકારો ઉમેરાતા ડિમેટ ખાતાની સંખ્યા સૌ પ્રથમ વખત 10 કરોડને ક્રોસ થઇ છે.
કોવિડ મહામારી પછી શેરબજારમાં રોકાણકારો ઝડપથી વધ્યા છે. નેશનલ સિક્યોરિટી ડિપોઝિટરી લિમિટેડ (એનએસડીએલ) અને સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિસ (સીડીએસએલ) અનુસાર ગતમહિને કુલ ડિમેટ એકાઉન્ટ્સની સંખ્યા 1.05 કરોડને વટાવી ગઈ છે. કોરોના મહામારીની શરૂઆત પહેલા એટલે કે માર્ચ 2020 સુધી દેશમાં લગભગ 4 કરોડ ડીમેટ ખાતા હતા. એટલે કે માત્ર બે વર્ષમાં ડીમેટ ખાતામાં 100 ટકાથી વધુ વૃદ્ધિ થઈ છે.
મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્સિયલ સર્વિસિઝના સીઇઓ અજય મેનનના જણાવ્યા અનુસાર રિટેલ રોકાણકારો ઇક્વિટી બજારો તરફ આકર્ષિત થઈ રહ્યા છે. ભારતમાં 31 માર્ચ 2022ના રોજ સક્રિય ડીમેટ ખાતાઓની સંખ્યા ગત વર્ષની સરખામણીએ 63 ટકા વધીને 8.97 કરોડ થઇ ચૂકી હતી જેનો અર્થ એ થયો કે અનેક નવા રોકાણકારોને શેરબજારમાં ટ્રેડ કરવામાં ઉત્સાહ છે.
ડીમેટ ખાતાઓની સંખ્યાના સંદર્ભમાં સીડીએસએલનો બજાર હિસ્સો સૌથી વધુ છે પરંતુ એસેટ અંડર કસ્ટડી (એયુસી)ના સંદર્ભમાં એનડીએસએલનો સૌથી વધુ છે. ઓગસ્ટના અંતે CDSL રૂ. 3.85 કરોડના AUC સાથે 7.16 કરોડ ડીમેટ ખાતાઓનું સંચાલન કરી રહ્યું હતું જ્યારે NSDL પાસે રૂ. 320 લાખ કરોડના AUC સાથે 2.89 કરોડ ખાતા હતા.