પાકિસ્તાનમાં નેશનલ એસેમ્બલી અને પ્રાંતીય ચૂંટણી માટે મતદાન સમાપ્ત થયા બાદ પરિણામો આવી રહ્યા છે. ચૂંટણી પંચે 18 કલાકના વિલંબ પછી સત્તાવાર પરિણામો જાહેર કરવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા સહિત અનેક પ્રાંતોમાં હિંસા ફેલાઈ છે. જેલમાં બંધ ઈમરાનની પીટીઆઈ અને બિલાવલની પીપીપીએ ઘણી સીટો પર ગોટાળાના આરોપો લગાવ્યા છે.
પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં કુલ 336 સીટો છે. જેમાંથી 265 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. એક બેઠક પર ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે. બાકીની બેઠકો અનામત છે. સરકાર બનાવવા માટે 134 સીટો પર બહુમતી હોવી જરૂરી છે. પાકિસ્તાનમાં મુખ્યત્વે 3 પક્ષો વચ્ચે સ્પર્ધા છે. જેમાં પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N), પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)નો સમાવેશ થાય છે.
પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું. ચૂંટણી પંચે 18 કલાકના વિલંબ પછી સત્તાવાર પરિણામો જાહેર કરવાનું શરૂ કર્યું. હવે 49 કલાક બાદ પણ તમામ બેઠકો પરથી પરિણામ જાહેર થયા નથી. 15 બેઠકોના પરિણામ આવવાના બાકી છે.
પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફે શુક્રવારે અન્ય રાજકીય પક્ષોને પીએમએલ-એન પાર્ટી સાથે ગઠબંધન સરકાર બનાવવા માટે હાથ મિલાવવાની અપીલ કરી હતી. પીએમએલ-એનએ અત્યાર સુધી 69 સીટો જીતી છે. જ્યારે ઈમરાનની પીટીઆઈ સમર્થિત અપક્ષો પાસે 98 બેઠકો છે.