રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાયેલી ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રીજી T20 મેચ રમાઈ ગઈ હતી. ત્યારે સ્ટેડિયમમાં પ્લેયર્સની સુરક્ષામાં એક મોટી ચૂક બની હતી. જેમાં એક યુવક મેચ પૂરી થતાંની સાથે જ ગ્રાઉન્ડમાં ઘૂસી ગયો હતો. તે યુવક ગ્રાઉન્ડમાં જઈને પહેલા ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર ઉમરાન મલિકના પગે પડી ગયો હતો. અને પછી તે મેઇન પિચ સુધી પહોંચી ગયો હતો. તે યુવક કૂદકા મારતાં-મારતાં મેઇન પિચ સુધી પહોંચી ગયો હતો અને ટીમ ઈન્ડિયાના પ્લેયર્સને મળવા પહોંચ્યો હતો. જોકે શ્રીલંકાના એક પ્લેયરે તેને પકડીને બાઉન્સર્સને સોંપી દીધો હતો. આ અંગે ગ્રાઉન્ડના સિક્યોરિટી સુપરવાઇઝરે મેદાનમાં ઘૂસેલા અબ્બાસ સંધી નામના યુવક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. આથી પડધરી પોલીસે અબ્બાસની અટકાયત કરી છે.
ગ્રાઉન્ડ સિક્યોરિટી સુપરવાઈઝરે ફરિયાદ નોંધાવી
ગ્રાઉન્ડ પર સિક્યોરિટી સુપરવાઈઝર મેહુલભાઈ વિનુભાઈ શૈયાગોરએ ફરિયાદમાં જણાવ્યું છે કે, ભારત-શ્રીલંકા વચ્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ ખંઢેરી સ્ટેડિયમ ખાતે ચાલતો હતો. અમારા સિક્યોરિટીના અજીતભાઈ હરિભાઈ રવિયા સ્ટેડિયમના ઈસ્ટ વિભાગ બાજુ તેમની સિક્યોરિટીની ગ્રાઉન્ડની બાઉન્ડ્રી બાજુ ફરજ પર હતા. બધા પ્રેક્ષકો મેચ જોતા હતા તે દરમિયાન મેચના છેલ્લા બોલે આશરે પોણા અગિયારેક વાગ્યે ઈસ્ટ સાઈટ લેવલ એકમાંથી એક પ્રેક્ષક બાઉન્ડ્રી લાઈન ઓળંગીને ગ્રાઉન્ડમાં ગેરકાયદેસર પ્રવેશ્યો હતો અને પ્રતિબંધિત વિસ્તારમાં કોઈને પૂછ્યા વગર ગ્રાઉન્ડમાં જતો રહ્યો હતો.
અબ્બાસ ઉનાના ઉમેજ ગામમાં રહે છે
મેહુલભાઈએ ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે, આથી બાઉન્સરોએ ગ્રાઉન્ડમાં જઈ તેને પકડી બહાર લાવ્યા હતા અને તેનું નામ પૂછતા અબ્બાસ હુસેનભાઈ ઉનડજામ (સંધી) ઉંમર 28 વર્ષ જણાવ્યું હતું. તેમજ તેણે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ઉમેજ ગામે રહેતો હોવાનું જણાવ્યું હતું. અબ્બાસે ભારત-શ્રીલંકા વચ્ચેની મેચમાં પ્રતિબંધિત કરેલ વિસ્તારમાં ગેરકાયેદસર રીતે પ્રવેશ કરી કોઈ ગુનો કરવાની કે કોઈ વ્યક્તિને હાનિ કરવાના ઈરાદે પ્રવેશ કર્યો હોય તો તેના વિરૂદ્ધ ધોરણસર કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધી આરોપીને અટકાયતમાં લીધો છે. અબ્બાસ ઉનાની કોલેજમાં અભ્યાસ કરે છે અને રાજકોટ મેચ જોવા માટે આવ્યો હતો.