ખેડૂતોએ ફરી એકવાર સરકાર સામે મોરચો માંડ્યો છે. પંજાબ-હરિયાણા સહિત અનેક રાજ્યોના ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરવાની તૈયારી કરી રહ્યા છે. ખેડૂતોએ ફરી એકવાર દિલ્હીને ઘેરવાની તૈયારી કરી લીધી છે. ખેડૂતોએ તેનું નામ 'ચલો દિલ્હી માર્ચ' રાખ્યું છે, પરંતુ તેને કિસાન આંદોલન 2.0 પણ કહેવામાં આવી રહ્યું છે. વાસ્તવમાં આ ખેડૂતોના આંદોલનની પેટર્ન 2020-2021ના ખેડૂતોના આંદોલન જેવી જ છે. ગત વખતની જેમ આ આંદોલનમાં પણ વિવિધ રાજ્યોના ખેડૂતો જોડાવા જઈ રહ્યા છે. આ વખતે ખેડૂતો પોતાની સાથે ટ્રેક્ટર-ટ્રોલી અને રાશન પણ લાવવાના છે. એટલે કે ગત વખતની જેમ આ વખતે પણ ખેડૂતો દિલ્હીની અલગ-અલગ બોર્ડર પર લાંબા સમય સુધી વિરોધ પ્રદર્શન કરવાની તૈયારીમાં છે. જોકે, આ આંદોલનને ગત વખતની જેમ તમામ ખેડૂત સંગઠનોનું સમર્થન નથી. આ ખેડૂતોનું આંદોલન સંયુક્ત કિસાન મોરચાના બેનર હેઠળ થઈ રહ્યું નથી. વિવિધ ખેડૂત સંગઠનો સાથે મળીને તેનું આયોજન કરી રહ્યા છે. ખેડૂતોની માંગણીઓને લઈને સરકાર સાથે ઘણી બેઠકો થઈ છે, પરંતુ તેનો કોઇ ઉકેલ આવ્યો નથી. ત્યારે આવો જાણીએ શા માટે ધરતીપૂત્રો ફરી એકવાર દેશની રાજધાનીમાં ધૂણી ધખાવીને બેસવા સજ્જ છે. કઇ તેમની માગો છે જેનો હજુ ઉકેલ આવ્યો નથી. શા માટે ખેડૂતોને પોતાના ઘર-પરિવાર છોડીને પોતાની માંગણીઓ પૂરી કરાવવા માટે છેક દિલ્હી સુધી લાંબુ થવુ પડ્યું છે.
ખેડૂતોના બે મોટા સંગઠનો સંયુક્ત કિસાન મોરચા (બિન-રાજકીય) અને કિસાન મજદૂર મોરચાએ પોતાની માંગણીઓ માટે 13 ફેબ્રુઆરીએ 'દિલ્હી માર્ચ'નો નારો આપ્યો છે. સંયુક્ત કિસાન મોરચાએ 16મી ફેબ્રુઆરીએ એક દિવસીય ગ્રામીણ ભારત બંધનું આહ્વાન કર્યું છે. દિલ્હી બોર્ડર પર બે વર્ષ પહેલા ખેડૂતોનું આંદોલન એટલું તીવ્ર હતુ કે મોદી સરકારને ખેડૂતો સંબંધિત ત્રણ કાયદા રદ કરવા પડ્યા હતા. ખેડૂતોને ડર હતો કે આ કાયદાઓ દ્વારા સરકાર અમુક પસંદગીના પાક પર લઘુત્તમ ટેકાના ભાવ આપવાના નિયમને નાબૂદ કરી શકે છે અને ખેતીના કોર્પોરેટીકરણને પ્રોત્સાહન આપી શકે છે. જેનાથી તેમણે મોટી એગ્રી-કોમોડિટી કંપનીઓ પર નિર્ભર રહેવું પડશે.