ગુજરાતના પ્રમુખ પ્રવાસન સ્થળો પૈકીના એક અને બ્લ્યુ ફલેગ બીચ તરીકે વિશ્વવિખ્યાત બનેલાં દ્વારકા નજીકના શિવરાજપુર બીચ પર વોટર સ્પોર્ટ્સ એકટીવીટી માટે લાયસન્સ આપતી ઓથોરીટીની નિમણૂંક કરવા સ્થાનીય ધારાસભ્ય પબુભા માણેક દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવામાં આવી છે. પબુભા માણેક દ્વારા મુખ્યમંત્રીને કરેલ રજૂઆતમાં જણાવ્યું છે કે થોડા વર્ષ પહેલાં જ બ્લ્યુ ફલેગ બીચની માન્યતા મળ્યા બાદ શિવરાજપુર બીચમાં એક દાયકામાં ઉત્તરોતર પ્રવાસન લક્ષી સુવિધાઓ ઊભી કરવા વિકાસકાર્યો હાથ ધરાયા છે. જેમાં હાલમાં ચાલતા વિકાસકાર્યોમાં ફેઈઝ-1માં યાત્રીકલક્ષી સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે.
જયારે ફેઇઝ-2 તથા ફેઈઝ-3માં પણ પ્રવાસનલક્ષી સુવિધાઓ ઉપરાંત બીચ ડેવલોપમેન્ટ અને અન્ય વિકાસકાર્યો હાથ ધરવામાં આવનાર છે. તાજેતરમાં વડોદરાની દુર્ઘટના બાદ કલેકટર દ્વારા શિવરાજપુર બીચ પર ચાલતી વોટર સ્પોર્ટ્સ એકટીવીટી બંધ કરાવી હોય જેના કારણે પ્રવાસીઓને આનંદ આપતી સુવિધાઓ બંધ થઈ છે. જેના કારણે ટુરીઝમને ફટકો પડવા સાથે સ્થાનીય રોજગારીને પણ વ્યાપક અસર પહોંચી છે.
વર્ષે એકાદ કરોડ જેટલાં ટુરીસ્ટની આવનજાવનવાળા શિવરાજપુર બીચ ખાતે યાત્રીકલક્ષી જેટલી સુવિધા વધશે તેટલો સહેલાણીઓનો ફલો વધે તેમ હોય અહીં સત્વરે યાત્રીકોની સુવિધા કાજે ગોવાની તર્જ પર વોટર સ્પોર્ટ્સ એકટીવીટી માટે લાયસન્સીંગ ઓથોરીટીની નિમણૂંક કરવાથી અહીં વોટર સ્પોર્ટ્સ એકટીવીટી પુનઃ ધમધમતી થતાં સહેલાણીઓનો ફલો વધે તેમ છે.