રીસામણે બેઠેલ પત્નીની છરીના ઘા ઝીંકી હત્યા નીપજાવનાર આરોપી પતિ નરેશ કનુભાઈ જીકાદરાને આજે સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. વર્ષ 2013માં રાજકોટના નવલનગર શેરી નં-9માં રહેતા ભીખુભાઇ ઉનાગરના દીકરી રીટા ઉર્ફે ટીનાના લગ્ન આ કામના આરોપી નરેશ કાનજીભાઇ જીકાદરા સાથે થયેલા હતા. આરોપી મૂળ ગોંડલ પાસેના દેરડી કુંભાજી ગામના રહેવાસી હોય તેમજ બનાવ સમયે રાજકોટ મુકામે ગાંધીગ્રામ સોમનાથ સોસાયટીમાં રહેતા હતા અને ઇંટોના ભઠ્ઠાનું કામ કરતા હતા. મૃતક રીટાબેનને આ કામના આરોપી નરેશ કનુભાઇ લગ્નજીવન દરમિયાન બે માસ સુધી સારી રીતે રાખેલ ત્યારબાદ આરોપી પતિ દ્વારા મરણ જનારને મારકૂટ અને ત્રાસ અપાતી હોવાથી મરણ જનાર તેના માવતર નવલનગરમાં પોતાના માતા સાથે રહેવા આવી ગઈ ત્યારબાદ મરણ જનાર પોતાના મોટા બેન કિરણબેન સાથે રાજકોટમાં આવેલ અમરનગર શેરી નં-2માં ઘડીયાળના કારખાનામાં કામ કરવા લાગી ગયા.
આ સમય દરમિયાન આરોપી અવારનવાર મરણ જનારને યેનકેન પ્રકારે પોતાના ઘરે પરત લઇ જવા માટે પ્રયત્ન કરતા રહેલ પરંતુ, મરણ જનારને આરોપી તરફથી શારીરિક ત્રાસ હોવાથી તેણી આરોપી સાથે સાસરે જવાની ના પાડી દેતા હતા. જેથી ગઇ તા. 25.10.2013ના રોજ મરણ જનાર તથા તેના મોટા બેન આ કામના ફરીયાદી કીરણબેન બંને જણા અમરનગર ખાતે આવેલ ઘડીયાળના કારખાનામાં કામ કરવા માટે ગયેલા ત્યારે સવારના 11.30 વાગ્યાની આસપાસ આરોપી નરેશ મરણ જનારને પરાણે તેડી જવા માટે ગયેલ આ સમયે ત્યાં હાજર મરણજનારના મોટા બેન કિરણબેન આરોપીને રોકવાની કોશિષ કરતા આરોપીએ ફરિયાદીનું મોઢુ દબાવી તેની પાસે રહેલી છરી કાઢી ફરિયાદીના ડાબા પગના ગોઠણમાં છરીનો એક ઘા મારી દીધો અને ફરીયાદીને ધકકો મારી નીચે પછાડી દીધા. આરોપી મરણ જનાર રીટાબેન પાસે જઇ તેને મારકૂટ કરવા લાગ્યો અને તેની પાસે રહેલ છરીનો એક ઘા મરણ પામનારને છાતીના ભાગે મારી દેતા તેણીને ગંભીર ઇજા થયેલી અને લોહી નીકળતી હાલતમાં તેણી નીચે પડી ગયેલી તે દરમિયાન ત્યાં હાજર લોકોએ 108 બોલાવી લેતા 108ના ડોકટરોએ રીટાબેનને તપાસતા તેણી મરણ પામી.