શું કોવિડ બાદ દેશની નાણાં સિસ્ટમમાં પર્સનલ લોનના કારણે અચાનક તેજી આવી? સરકારી અને ખાનગી બેન્કોએ ઊંચા વ્યાજદરે વધેલી ક્રેડિટની માંગ પૂરી કરવા માટે દિલ ખોલીને પર્સનલ લોન વહેંચી છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી(સીએમઆઇઇ)ના રિપોર્ટમાં જણાવાયું છે કે છેલ્લાં 4 વર્ષમાં કોમર્શિયલ બેન્કોનું બાકી લેણું 58.47 ટકાથી વધી 103.70 લાખ કરોડથી 164.34 લાખ કરોડ થઇ ગયું છે. એટલે કે કુલ બાકી લેણું 60.64 લાખ કરોડ રૂપિયા વધ્યું.
આમાં 56 ટકા એટલે કે 33.93 લાખ કરોડ રૂપિયાનો વધારો ફક્ત પર્સનલ લોન અને ક્રેડિટકાર્ડ સેગમેન્ટને કારણે થયો. આ પરથી એ વાત સ્પષ્ટ છે કે આ દરમિયાન આટલી લોન આ સેગમેન્ટમાં જ અપાઇ. આનાથી આ સેગમેન્ટમાં હાલનું બાકી લેણું 69.8 લાખ કરોડ પહોંચી ગયું, જે 2019- 20માં 35.87 લાખ કરોડ રૂપિયા હતું. આની તુલનાએ એજ્યુકેશન લોનનું કુલ બાકી લેણું 53 હજાર કરોડ રૂપિયા જ વધ્યું.
જાણકારોનું માનીએ તો બેન્કિંગ સેક્ટરનો નફો અને શેરોમાં તેજીનો મોટો શ્રેય આ ત્રણ શ્રેણીઓની લોનને જાય છે. સિક્યોર્ડ પર્સનલ લોનમાં તેનો વ્યાજદર 16 ટકાથી શરૂ થાય છે, જે ક્રેડિટકાર્ડ જેવી અનસિક્યોર્ડ લોનમાં વધીને 30 ટકા સુધી પહોંચી જાય છે. બગડેલી ચાલને સુધારવામાં હાલ ભલે મદદ મળી રહી હોય આગામી સમયમાં મુસીબત સાબિત થઇ શકે છે.