તીર્થધામ બહુચરાજીમાં ચૈત્રી પૂનમના ત્રિદિવસીય લોકમેળાના પ્રથમ દિવસે બુધવારે સવારથી જ હાથમાં લાલ ધજા અને પગપાળા સંઘો સાથે શ્રદ્ધાળુઓનો પ્રવાહ શરૂ થતાં ભક્તિમય માહોલ જામ્યો છે. જેનાં સ્મરણ માત્રથી દુ:ખ દૂર થાય છે તેવી મા બહુચરનાં પ્રાગટ્ય દિને દર્શન કરી ધન્ય બનવા હજારો શ્રદ્ધાળુઓ ઊમટી રહ્યાં છે. તો માનાં ભક્તોની સેવામાં સ્વયંસેવકો અને તંત્રમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
પ્રાગટ્ય દિને દર્શન કરી ધન્ય બનવા હજારો શ્રદ્ધાળુઓ ઊમટી રહ્યાં
મંદિરમાં પોલીસ કવાર્ટર પાસેના દરવાજેથી દર્શનાર્થીઓને, જ્યારે માનસરોવર દરવાજેથી સંઘોને પ્રવેશ અપાઇ રહ્યો છે. ઉત્તર અને દક્ષિણ દરવાજેથી બહાર નીકળવાની વ્યવસ્થા કરાઇ છે. માનાં શાંતિથી દર્શન થઇ શકે તે માટે બુધવારે વહેલી સવારે 5-30 થી ગુરુવારે પૂનમની રાત્રે માતાજીની સવારી શંખલપુર જઇ પરત આવે ત્યાં સુધી મંદિરનાં દ્વાર સતત ખુલ્લાં રહેશે તેમ નાયબ વહીવટદાર અમૃતભાઇ રાવળે જણાવ્યું હતું.