ગયા વર્ષે હમાસ હુમલામાં માર્યા ગયેલા લોકોની યાદમાં ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ રવિવારે એક સભાને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન કેટલાક લોકોએ તેમનું ભાષણ અટકાવ્યું અને શેમ ઓન યુના નારા લગાવવા લાગ્યા. આ કાર્યક્રમનું ટીવી પર જીવંત પ્રસારણ કરવામાં આવી રહ્યું હતું.
સૂત્રોચ્ચાર કરી રહેલા લોકો હમાસ હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો હતા. હકીકતમાં, ઘણા લોકો ગયા વર્ષે હમાસના હુમલાને રોકવામાં સક્ષમ ન હોવા માટે નેતન્યાહૂને દોષી ઠેરવે છે. જેમાં એવા લોકો પણ સામેલ છે જેમના પરિવારના સભ્યોને હમાસ દ્વારા બંધક બનાવવામાં આવ્યા છે.
ગાઝામાં ઈઝરાયલના હવાઈ હુમલામાં 40 લોકો માર્યા ગયા ગાઝાની અલ અક્સા શહીદ હોસ્પિટલના પ્રવક્તા ડૉ. ખલીલ અલ ડાકરાને જણાવ્યું કે, ઉત્તર ગાઝા પર શનિવારે થયેલા હવાઈ હુમલામાં લગભગ 40 લોકો માર્યા ગયા. ઈઝરાયલે ઉત્તર ગાઝાના બીત લાહિયા વિસ્તારમાં રહેણાંક મકાનને નિશાન બનાવ્યું હતું. હુમલામાં 80થી વધુ લોકો ઘાયલ પણ થયા છે.
અલ ડાકરાને કહ્યું કે આ મહિને અત્યાર સુધીમાં ઉત્તર ગાઝામાં ઈઝરાયલના હુમલાને કારણે 1 હજારથી વધુ લોકો માર્યા ગયા છે. તે જ સમયે ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર આ આંકડો વધુ વધી શકે છે.