રાજકોટના સ્ક્રેપના વેપારી આર્શ ટ્રેડર્સના માલિક પાસેથી ખરીદ કરેલા સ્ક્રેપની ચૂકવણી પેટે આપેલો રૂ.66.80 લાખનો ચેક રિટર્ન થવાના કેસમાં અદાલતે યોગીરાજ મેટલ્સ પ્રા.લી.ના ઓથોરાઇઝ સીગ્નેટરીને એક વર્ષની સજા ફટકારી અને રૂ.66.80 લાખનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો હતો.
કેસની વિગત મુજબ યોગીરાજ મેટલ્સ પ્રા.લી.ના નામથી ચાલતી કંપનીના ડિરેક્ટરે પોતાની જરૂરિયાત મુજબ આર્શ ટ્રેડર્સના માલિક મોહસીન યાસીન ગાંજા પાસેથી અલગ-અલગ સમયે સ્ક્રેપની ખરીદી કરી અને તે પેટે કંપનીનો રૂ.66,80,023નો ચેક આપ્યો હતો. જેમાં ઓથોરાઇઝ સીગ્નેટરી તરીકે રોનક અરૂણભાઇ ગોંડલિયાએ સહી કરી હતી. જે ચેક પરત ફરતા અદાલતમાં ફરિયાદ દાખલ કરી હતી. આ કેસ ચાલવા ઉપર આવતા રોનક ગોંડલિયાએ કટકે-કટકે રૂ.35 લાખ જમા કરાવ્યા હતા અને આ રકમ ફરિયાદી આર્શ ટ્રેડર્સને આપેલી છે તેવો બચાવ કરાયો હતો. અદાલતે ફરિયાદ પક્ષના વકીલ કમલેશ શાહ અને જીજ્ઞેશ શાહની દલીલો ધ્યાને લઇ યોગીરાજ મેટલ્સ પ્રા.લી.ના ઓથોરાઇઝ સીગ્નેટરી રોનક ગોંડલિયાને એક વર્ષની સજા અને અલગથી રૂ.66.80 લાખનું વળતર પેટે ફરિયાદીને ચૂકવવા હુકમ કર્યો હતો.