દરેક મહિનાના બંને પક્ષમાં તેરસ તિથિએ ભગવાન શિવની ખાસ પૂજા કરવામાં આવે છે. આ દિવસે પ્રદોષ વ્રત કરવામાં આવે છે. આ વખતે પ્રદોષ વ્રત 24 ઓગસ્ટ, બુધવારના રોજ છે. પ્રદોષ વ્રત ભગવાન શિવ-પાર્વતીની પૂજા કરવાનો શુભ દિવસ છે. આ વ્રત અંગે એવી માન્યતા છે કે જેઓ સંપૂર્ણ શ્રદ્ધાથી આ વ્રત કરે છે અને સંપૂર્ણ વિધિ-વિધાન સાથે ભગવાન શિવ-પાર્વતીની પૂજા કરે છે, તેમના ઉપર ભગવાન શિવનો આશીર્વાદ હંમેશાં રહે છે. બુધવારે આ વ્રત હોવાથી તેને બુધ પ્રદોષ કહેવામાં આવશે.
પ્રદોષ વ્રતનું મહત્ત્વ
સ્કંદ પુરાણમાં આ વ્રત અંગે ઉલ્લેખવામાં આવ્યું છે કે આ વ્રતને કોઈપણ ઉંમરની વ્યક્તિ રાખી શકે છે અને આ વ્રતને બે પ્રકારે રાખી શકાય છે. થોડાં લોકો આ વ્રતને સૂર્યોદય સાથે જ શરૂ કરીને સૂર્યાસ્ત સુધી રાખે છે અને સાંજે ભગવાન શિવની પૂજા પછી સાંજે પોતાનું વ્રત ખોલે છે. તો થોડાં લોકો આ દિવસે 24 કલાકનું વ્રત રાખે છે અને રાતે જાગરણ કરીને ભગવાન શિવની પૂજા કરે છે અને બીજા દિવસે વ્રત ખોલે છે.
બુધ પ્રદોષનું મહત્ત્વ
શિવ પુરાણ પ્રમાણે પ્રદોષ વ્રત કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. વાર પ્રમાણે અલગ-અલગ દિવસે તેરસ તિથિનો સંયોગ બનવાથી તેના ફળનું મહત્ત્વ પણ બદલાઈ જાય છે. કાશીના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે તેરસ તિથિ હોવાથી બુધ પ્રદોષનો યોગ બને છે. આ સંયોગમાં ભગવાન શિવની પૂજા અને વ્રત કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે. બુધવારે પ્રદોષ વ્રત રાખવાથી નોકરી અને બિઝનેસમાં સફળતા મળે છે. આ વ્રતમાં ભગવાન શિવ-પાર્વતીની પૂજા કરતા પહેલાં ગણેશજીની પૂજા કરવામાં આવે છે. તેનાથી દરેક પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે. બુધ પ્રદોષનું વ્રત કરવાથી દરેક પ્રકારના રોગ, શોક, દોષ અને ક્લેશ દૂર થઈ જાય છે.