29 ફેબ્રુઆરી એવો દિવસ છે કે જે 4 વર્ષ આવે છે. આજે વર્ષ 2024નું લિપ વર્ષ હતું, તેથી આજના દિવસે જન્મેલાં બાળકોનો જન્મદિવસ 4 વર્ષ બાદ એટલે કે વર્ષ 2028માં આવશે. સામાન્ય રીતે કોઈ પણ માતા-પિતા ઇચ્છતા હોય કે તેમના બાળકનો જન્મ દર વર્ષે આવે અને તેની ઉજવણી સારી રીતે કરી શકાય. આજના દિવસે જન્મેલા બાળકોનો જન્મદિવસ 4 વર્ષ બાદ આવતા માતા-પિતા અલગ લાગણી અનુભવી રહ્યાં છે.
આજરોજ 29 ફેબ્રુઆરી 2024ના અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલી સિવિલ હોસ્પિટલ અને સોલા સિવિલ હોસ્પિટલમાં 16 બાળકોનો જન્મ થયો છે. જેમાંથી 10 બાળકોનું અસારવા સિવિલ હોસ્પિટલમાં અને છ બાળકોનો સિવિલ હોસ્પિટલમાં જન્મ થયો છે. આજના દિવસે જન્મેલાં બાળકોના માતા-પિતા દ્વારા ડિલિવરીને પ્રિ-પ્લાન કરવામાં આવી નથી. કારણ કે, દરેક માતા-પિતા પોતાના બાળકને જન્મ દિવસ દરવર્ષ ઉજવે તેવી ઇચ્છા રાખતા હોય છે. આજના દિવસે જન્મેલા બાળકના માતા-પિતા પણ ઈચ્છે છે કે, તેમના બાળકનો જન્મ એક દિવસ આગળ-પાછળ થયો હોત તો શારૂ હતું.
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પ્રથમ બાળકને જન્મ આપનાર નિશાબેને દિવ્ય ભાસ્કર સાથેની વતચીતમાં જણાવ્યું હતું કે, પહેલી વખત માઁ બનવાનો અનુભવ ખૂબ જ આનંદદાયક છે. રાત્રિના 3:00 વાગ્યે બાળકીનો જન્મ થયો છે, તેના કરતા થોડા કલાક પહેલાં જન્મ થયો હોત તો દર વર્ષ ધૂમધામથી તેના જન્મદિવસની ઉજવણી કરી શકત. હવે 4 વર્ષ બાદ તે મોટી થઈ ગઈ હશે, ત્યારે તેનો જન્મદિવસ આવશે. અમે તેના પહેલા જન્મદિવસની ધૂમધામથી ઉજવણી નહીં કરી શકીએ.