દેશભરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતમાં પણ 76મા સ્વતંત્રતા દિવસને લઇને અનોખો માહોલ જોવા મળી રહ્યો છે. એક તરફ હર ઘર તિરંગા અભિયાન હેઠળ ચોમેર તિરંગા લહેરાઇ રહ્યા છે તો બીજી તરફ જિલ્લાઓમાં અનોખી રીતે આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.
આ વર્ષે દરિયામાં ન લહેરાવ્યો તિરંગો
પોરબંદરમાં દર વર્ષની જેમ આ વખતે પણ અનોખી રીતે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી. પોરબંદરમાં શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા આ વખતે દરિયામાં નહીં પરતુ દરિયા કિનારે ધ્વજવંદન કરવામાં આવ્યું. દર વર્ષે તેઓ દરિયામાં ધ્વજવંદન કરે છે પરંતુ આ વર્ષે દરિયામાં ભારે કરંટ હોવાને કારણે દરિયા કિનારે ધ્વજવંદન કરવામાં આવ્યું. ચોપાટી ખાતે ધ્વજવંદન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી. ઉલ્લેખનીય છે કે છેલ્લા 22 વર્ષથી આ ક્લબ દ્વારા આ પ્રકારે ઉજવણી કરવામાં આવે છે.
ગોમતી નદીમાં લહેરાવ્યો તિરંગો
તો આ તરફ દ્વારકામાં ગોમતી નદીમાં ધ્વજવંદન કરવામાં આવ્યુ. ભડકેશ્વર યોગ ગૃપ દ્વારા ગોમતી નદીમાં યોગ કરી તિરંગો લેહરાવ્યો. આ પ્રસંગે જોવા મળી રહ્યુ છે કે તમામ હાથમાં તિરંગો લઇને ભારત માતા કી જયના નારા લગાવીને નદીમાં જઇ રહ્યા છે. નદીમાં જ ભેગા થઇને સૌએ રાષ્ટ્રગીત ગાઇને તિરંગાને સલામી આપી.
ગિરનાર તળેટીમાં લહેરાવ્યો તિરંગો
દેશના ખૂણે ખૂણે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતમાં પણ રંગેચંગે સ્વતંત્રતા પર્વ ઉજવાયો. ગરવા ગિરનાર પણ તિરંગો લહેરાવાયો. જટાશંકર મહાદેવ ખાતે દેશભક્તિનો રંગ જોવા મળ્યો.
ભગવાન શિવને પણ ખાસ તિરંગાના રંગનો શણગાર કરવામાં આવ્યો હતો. સ્વતંત્રતા પર્વ નિમિત્તે મંદિરના પટાંગણમાં તિરંગો લહેરાવ્યો જેમાં સાધુ સંતો સહિત સ્થાનિકો પણ જોડાયા.