રાજ્યમાં અનેક સંગઠનો પોતાના પડતર પ્રશ્નોને લઇને સરકાર સામે આંદોલન કરી રહ્યાં છે. ત્યારે ઇજનેરી કોલેજમાં અધ્યાપક દ્વારા પણ આજથી આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. પડતર પ્રશ્નો બાબતે અનેક રજૂઆત કરી છતાં નિરાકરણ ન આવતા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. નવરાત્રિ હોવાથી અધ્યાપકો હાથમાં પ્લે કાર્ડ સાથે વિવિધ માંગણીઓ લખીને વિરોધ કર્યો હતો. અગાઉ શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા મળીને નિરાકરણ લાવવાની બાહેધરી પણ આપવામાં આવી હતી. જોકે, ત્યારબાદ મળવાનો સમય પણ આપ્યો નહતો.
સરકારી ઇજનેરી કોલેજમાં ફરજ બજાવતા અધ્યાપકોના વિવિધ પડતર પ્રશ્નો જેવા કે, CAS, બઢતી, વિનંતી બદલી, એડહૉક સેવા સળંગ, વર્ગ-3ની ભરતી, QIP હેઠળ ઉચ્ચ અભ્યાસ વગેરે બાબતે અનેક વર્ષોથી મૌખિક તેમજ લેખિત રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં કોઈ ઉકેલ ન આવતા, સર્વે અધ્યાપકો ખૂબ જ નિરાશા, હતાશા, ભેદભાવ અને રોષની લાગણી અનુભવતા હતા. આથી મંડળ દ્વારા 5 સપ્ટેમ્બર 2023 શિક્ષક દિનથી જ ત્રણ તબક્કામાં આંદોલનની જાહેરાત કરેલ હતી. જાહેરાત ઉચ્ચ શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા રૂબરૂ મળીને આ મુદ્દે નિવારણ લાવવાની બાહેધરી આપવામાં આવી હતી. જેથી 15 ઓક્ટોબર 2023 સુધી આંદોલન સ્થગિત કરવા જાહેરાત કરી હતી. આજ દિન સુધી શિક્ષણ મંત્રી, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણની અધ્યક્ષકતામાં શિક્ષણ, ટેકનિકલ શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા અધિકારીઓ અને મંડળના હોદેદારની કોઈ મિટિંગનું આયોજન થયું નથી.