હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં બુધવારે ભારત-ન્યૂઝીલેન્ડ વનડે શ્રેણીની પ્રથમ મેચ રમાઈ હતી. ભારતીય ટીમે 12 રને જીત મેળવી હતી. શ્વાસ થંભાવી દે તેવા આ રોમાંચક મુકાબલામાં ઘણી રસપ્રદ ક્ષણો અને કેટલાક વિવાદો પણ જોવા મળ્યા હતા.
40મી ઓવરમાં થર્ડ અમ્પાયરે હાર્દિક પંડ્યાને આઉટ કરવો એ સૌથી વધુ ચર્ચાનો વિષય હતો. આ પહેલા શુભમન ગિલે સિક્સરની હેટ્રિક સાથે પોતાની પ્રથમ બેવડી સદી પૂરી કરી હતી. ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ પોતાના હોમ ગ્રાઉન્ડ પર રમી રહ્યો હતો. સિરાજની રમત જોવા માટે પરિવારના સભ્યો સ્ટેડિયમ પહોંચ્યા હતા.
ભારતીય ઈનિંગની 40મી ઓવર ચાલી રહી હતી. ડેરિલ મિચેલ બોલિંગ કરી રહ્યો હતો અને હાર્દિક પંડ્યા ક્રીઝ પર હતો. તેણે ગિલની સાથે 5મી વિકેટ માટે 74 રન બનાવ્યા હતા. ત્યારબાદ પંડ્યા મિશેલનો ચોથો બોલ ચૂકી ગયો અને બોલ વિકેટકીપર ટોમ લેથમના ગ્લોવ્સમાં ગયો. લેથમે ગ્લોવ્ઝથી ગિલ્લીઓ પાડી દીધી. એવું લાગ્યું કે બોલ ગિલ્લીને અડીને લેથમના ગ્લોવ્સમાં આવી ગયો. જ્યારે પંડ્યા ક્રિઝમાં હતો ત્યારે તેના સ્ટમ્પ થવાનો સવાલ જ નહોતો. ફિલ્ડિંગ ટીમની અપીલ પર ગ્રાઉન્ડ અમ્પાયરે મામલો થર્ડ અમ્પાયર પાસે મોકલ્યો હતો.
થર્ડ અમ્પાયરનું માનવું હતું કે બોલને કારણે ગિલ્લિ પડી ગઈ હતી કે વિકેટકીપરના ગ્લોવ્ઝથી તે રિપ્લે જોઈને કહેવું મુશ્કેલ હતું. જો કે ગ્રાઉન્ડ અમ્પાયરનું સોફ્ટ સિગ્નલ આઉટ હતું. આથી થર્ડ અમ્પાયરે પંડ્યાને બોલ્ડ આઉટ જાહેર કર્યો હતો. પંડ્યા અને બોલર ડેરીલ મિશેલ પોતે પણ આ નિર્ણયથી આશ્ચર્યચકિત થઈ ગયો હતો.
પંડ્યા OUT or NOT ટ્રેન્ડ
થર્ડ અમ્પાયરના નિર્ણય બાદથી સોશિયલ મીડિયા પર 'પંડ્યા OUT or NOT'ની ચર્ચા ચાલી રહી છે. કેટલાક લોકો તેને આઉટ જણાવી રહ્યા હતા. તો કેટલાક થર્ડ અમ્પાયર્સની નિર્ણયને ખોટો જણાવી રહ્યા હતા.