રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમ પુજારાએ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા સંચાલિત શિક્ષણ સમિતિ દ્વારા રાજકોટ શહેરમાં નાનામવા ચોક પાસે સૌપ્રથમ વખત સરકારી અંગ્રેજી માધ્યમની પ્રાથમિક શાળા આગામી વર્ષથી શરૂ કરવા જઈ રહ્યા છીએ. અહીં હાલ 81-A નંબરમાં હાલ ગુજરાતી માધ્યમની સરકારી પ્રાથમિક શાળા કાર્યરત છે. 81-A નંબરનું અદ્યતન બિલ્ડિંગ છે. જ્યાં નવા સત્રથી ધો. 1થી 8ના અંગ્રેજી માધ્યમની શાળા શરૂ થશે. એક ક્લાસમાં 40 વિદ્યાર્થીઓ સમાઈ શકે છે પરંતુ, એડમિશન કેટલા થાય છે? તેના આધારે આગળનો નિર્ણય કરવામાં આવશે.
તેમણે જણાવ્યું હતું કે, SNK સ્કૂલ સાથેના જોડાણથી અંગ્રેજી માધ્યમની 3 સરકારી પ્રાથમિક શાળા કાર્યરત છે. જ્યાં ત્રણેય સ્કૂલમાં 25-25 મળી કુલ 75 જગ્યા સામે 500થી વધુ વિદ્યાર્થીઓની અરજી આવે છે, જેમાં મેરીટના આધારે પ્રવેશ આપવામા આવે છે પરંતુ, નવી શરૂ થનારી અંગ્રેજી માધ્યમની શાળા સંપૂર્ણ સરકારી હશે. જેમાં કોઈ ખાનગી સ્કૂલ સાથે જોડાણ નહીં હોય. હાલ જે રીતે અંગ્રેજી માધ્યમની ખાનગી શાળાઓમાં વાલીઓએ મોંઘીદાટ ફી ભરી વિદ્યાર્થીઓને ભણાવવા પડે છે ત્યારે સરકારી અંગ્રેજી માધ્યમની શાળાઓમાં વાલીઓ પોતાના સંતાનોને કોઈપણ જાતના ખર્ચ વિના નિ:શુલ્ક ભણાવી શકશે. જ્યાં પાઠ્યપુસ્તકો અને યુનિફોર્મ સહિતની ચીજવસ્તુઓ પણ ફ્રી આપવામા આવશે.