ભારતીય શેરમાર્કેટમાં એકતરફી તેજીને કામચલાઉ બ્રેક લાગી છે. બજેટની તારીખ નક્કી થઇ ચૂકી છે જેના પગલે રોકાણકારો હવે બજેટ સુધી વેઇટ એન્ડ વોચની નીતિ અપનાવે તેવું અનુમાન છે. બજેટમાં રોકાણકારો અને સામાન્ય લોકોને મોટી આશા-અપેક્ષાઓ રહેલી છે. બજેટ પર માર્કેટનો આધાર રહેલો છે. સ્મોલ અને મિડકેપ સેગમેન્ટમાં શેર્સના ઉંચા વેલ્યુએશનના કારણે પ્રોફિટબુક રહ્યું છે.
સપ્તાહના પ્રારંભે સેન્સેક્સ 36.22 પોઈન્ટ ઘટીને 79960.38 બંધ રહ્યો છે જ્યારે ઇન્ટ્રા-ડેમાં 264.77 પોઇન્ટ ઘટીને 79731.83 બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 3.30 પોઈન્ટ ઘટીને 24320.55 રહ્યો હતો. રોકાણકારોની મૂડી નજીવી વધી 449.72 લાખ કરોડ રહી છે જ્યારે ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો 83.50 બંધ રહ્યો હતો.
સેન્સેક્સ પેકમાં ટાઇટન, અદાણી પોર્ટ્સ, ટાટા સ્ટીલ, જેએસડબ્લ્યુ સ્ટીલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, એશિયન પેઇન્ટ્સ અને બજાજ ફિનસર્વ સૌથી વધુ ઘટ્યા હતા.સ્મોલકેપ ઇન્ડેક્સ 0.22 ટકા જ્યારે મિડકેપ 0.14 ટકા ઘટ્યો હતો. સેક્ટોરલ ઇન્ડેક્સમાં કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 1.46 ટકા, મેટલ 0.80 ટકા, ટેલિકોમ 0.78 ટકા, સર્વિસિસ 0.69 ટકા, ઓટો 0.63 ટકા અને કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી 0.53 ટકા ઘટ્યા હતા. માર્કેટબ્રેડ્થ નેગેટીવ રહેવા સાથે સેન્ટીમેન્ટ સાવચેતી તરફીનું રહ્યું છે. બીએસઇ ખાતે કુલ ટ્રેડેડ 4169 પૈકી 1798 સ્ક્રીપ્સમાં સુધારો અને 2261 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. જે દર્શાવે છે કે, માર્કેટબ્રેડ્થ નેગેટીવ રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ સલામતી તરફીનું રહ્યું હતું.