રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસૂલાત શાખાએ સોમવારે સવારે લોહાણાપરા મેઈન રોડ પર આવેલા ભોલે આર્કેડમાં તવાઈ બોલાવી હતી અને એકસાથે 17 દુકાનને સીલ લગાવ્યા છે. આ સાથે કુલ 33 મિલકતને સીલ, 15ને ટાંચ જપ્તીની નોટિસ અને 1 નળ કનેક્શન કપાત કરીને કુલ 30 લાખ રૂપિયાની વસૂલાત કરી છે.
મનપાએ વેરા વસૂલાત માટે હવે એક એક કોમ્પ્લેક્સને લક્ષ્યાંક બનાવ્યા છે. સોની બજાર, યાજ્ઞિક રોડ બાદ ફરી લોહાણાપરામાં ત્રાટકી ભોલા આર્કેડમાં દુકાન નંબર 6, 101, 102, 103, 104, 106, 109, 110, 111, 202, 206, 207, 5, 6, 7, 8 અને 9 નંબરની દુકાનને સીલ લગાવ્યા હતા.
જ્યારે મહાજનો પોતાના વ્યવસાય સ્થળે આવ્યા અને સીલ દેખાતાં જ અલગ અલગ 9 દુકાનનો વેરો સ્થળ પર જ ભરપાઈ કરવામાં આવ્યો હતો. મનપાએ અત્યાર સુધીમાં 3,80,385 મિલકતનો 332.17 કરોડ રૂપિયા વેરો મળી ચૂક્યો છે. હવે એક મહિના કરતા પણ ઓછો સમય છે અને દરરોજ 30થી 35 લાખની ઉઘરાણી કરીને કોઇપણ ભોગે 350 કરોડનો આંક મેળવીને ઈતિહાસ રચવા વેરા વસૂલાત શાખા દોડી રહી છે. એક મહિનો જ આડે રહ્યો હોય હવે વેરા વસૂલાત શાખાએ તવાઇ બોલાવી છે.