અમદાવાદમાં મધ્યમ વર્ગીય પરિવાર (LIG) માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે 2.5 BHK ફ્લેટ બનાવવામાં આવી રહ્યા છે. શહેરના પશ્ચિમ વિસ્તાર ચાંદખેડામાં IOC રોડ નજીક 569 જેટલા આવાસ યોજનાના મકાનો બનાવવામાં આવનાર છે. 13 માળના 61 ચોરસ મીટરના ફ્લેટ બનાવવામાં આવશે. મીની ક્લબ હાઉસ, જીમ, ગેમઝોન અને ગાર્ડન સહિતની સુવિધા સાથેના મકાનો બનાવવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 100 કરોડથી વધુના ખર્ચે આવાસ યોજનાના મકાનો બનાવવા આર.જે.પી ઈન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીને કામગીરી સોંપવાની દરખાસ્ત મુકવામાં આવી છે.
શહેરમાં ઓછી આવક ધરાવતા મધ્યમ વર્ગીય પરિવારના લોકો માટે હવે બે બેડરૂમ, હોલ, કિચન અને એક નાના સ્ટડી રૂમ સાથેના 1000થી વધુ મકાનો બનાવવામાં આવી રહ્યા છે. શહેરના નિકોલ વિસ્તારમાં તાજેતરમાં જ 532 જેટલા આવાસો બનાવવા અંગેની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી અને તેનું બાંધકામ શરૂ થઈ ગયું છે. હવે શહેરના પશ્ચિમ વિસ્તારમાં ચાંદખેડા દેવપ્રિયા હોસ્પિટલ પાસે આવેલા પ્લોટમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 569 જેટલા 61 ચોરસ મીટરના મોટા મકાનો બનાવવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અંદાજે 37,000 ચોરસ મીટર કાર્પેટ એરિયામાં 13 માળના મકાનો બનાવવામાં આવશે.