શહેરના ઉપલાકાંઠા વિસ્તારના હાઉસિંગ બોર્ડ ક્વાર્ટર્સની પરિણીતાએ ફાંસો ખાઇ લીધો હતો. બીજીબાજુ પરિણીતાના સાસુ પણ હોસ્પિટલના બિછાને પહોંચ્યા હતા અને તેણે પુત્રવધૂએ મારકૂટ કર્યાનો આક્ષેપ કર્યો હતો. દૂધસાગર રોડ પરના હાઉસિંગ બોર્ડ ક્વાર્ટર્સમાં રહેતા રૂકસાનાબેન મિરાજભાઇ કાટેલિયા (ઉ.વ.30)ને ફાંસો ખાધેલી હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રૂકસાનાએ આક્ષેપ કર્યો હતો કે, તેના લગ્ન પાંચ વર્ષ પહેલાં થયા હતા અને સંતાનમાં એક પુત્ર તથા એક પુત્રી છે. પતિ ડ્રાઇવિંગ કરે છે. પાંચ દિવસથી પતિ ઘરેથી નીકળી ગયો છે અને સાસુ હુરબાઇબેન તથા દેરાણી સહિતનાઓ માથાકૂટ કરી ત્રાસ આપતા હોય પોતે ફાંસો ખાધો હતો.
બીજીબાજુ હુરબાઇબેન કાળુભાઇ કાટેલિયા (ઉ.વ.55) પણ હોસ્પિટલમાં દાખલ થયા હતા અને તેમણે આક્ષેપ કર્યો હતો કે, પુત્રવધૂ રૂકસાના સહિતનાએ મારકૂટ કરી હતી. બનાવની જાણ થતાં થોરાળઆ પોલીસ દોડી ગઇ હતી અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.