અમદાવાદમાં ભારત પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ વર્લ્ડકપ 2023 અંતર્ગત 14 ઓકટોબરના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મેચ રમાવવાની છે. જેની તમામ ટિકિટો ઓનલાઈન વેચાઈ ચૂકી છે. હવે ટિકિટોનું બ્લેક માર્કેટિંગ થઈ રહ્યું છે તથા ડુપ્લીકેટ ટિકિટો અસામાજીક તત્વો વેચી રહ્યા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે મેચની 150 નકલી ટિકિટ બનાવનાર આરોપીઓને ઝડપી પાડયા હતા. આ આરોપીઓમાં ત્રણ આરોપી 18 વર્ષના અને એક આરોપી 21 વર્ષનો છે. આ આરોપીઓ ગાંધીનગર તથા અમદાવાદના રહેવાસી છે. ઝડપાયેલ આરોપી કુશ મીણા, રાજવીર ઠાકોર, ધ્રુમિલ ઠાકોર અને જયવીર પ્રજાપતિ છે.
ઝેરોક્ષની દુકાનમાંથી આરોપી ઝડપાયા
આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે આમદાવદના બોડકદેવમાં આવેલ કુશ મીણાની ઝેરોક્ષની દુકાનમાંથી ઝડપી લીધા હતા. તેમની પાસેથી પ્રિન્ટ કરેલ 108 ડુપ્લીકેટ ટિકિટ અને વેચેલ 40 ટિકિટ મેળવવામાં આવી છે. સાથે જ પ્રિન્ટિંગ સામગ્રી અને ચાર આઇફોન કબ્જે કરાયેલ છે. આરોપીઓ સામે બોડકદેવ પોલીસ મથકે IPCની કલમ - 120(B), 406, 420, 465, 467 અને 471 મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો છે.